BREAKING NEWS

જામનગર શહેરમાં ઉત્તર ભારતીયોએ કરી છઠ્ઠ પૂજા

  • November 16, 2026 11:09 AM 

જામનગર શહેરમાં ઉત્તર ભારતીયોએ કરી છઠ્ઠ પૂજા

​​​​​​​જામનગર શહેરમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય અને ખાસ કરીને બિહારના વતનીઓ દ્વારા આજે લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાની ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર ૬માં આવેલા બાલાજી પાર્ક ઉપરાંત સેનાનગર અને રવિ પાર્ક વિસ્તારમાં બિહારી સમાજની મોટી વસાહત આવેલી છે, જ્યાં આજે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પોતાના વતનથી દૂર રોજગારી અર્થે જામનગરમાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય પરિવારોમાં આ પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હિન્દુ ધર્મ અને આસ્થાના આ પર્વ નિમિત્તે વ્રતધારી બહેનો માટે બાલાજી પાર્ક, સેનાનગર અને રવિ પાર્ક સહિતના વિસ્તારોમાં ખાસ પાણીના કુંડ બનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વોર્ડ નંબર ૬ ના બાલાજી પાર્ક વિસ્તારમાં સ્થાનિક રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના લોકો સાથે જોડાઈને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને વ્રતધારી મહિલાઓ પરિવારજનો સાથે પૂજાની સામગ્રી, ફળફળાદિ અને પ્રસાદ લઈને કુંડ ખાતે ઉમટી પડી હતી. પાણીમાં ઉભા રહીને વ્રતધારી બહેનોએ છઠ મૈયા અને ભગવાન સૂર્યદેવની વિધિવત પૂજા-અર્ચના કરી હતી તથા પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર વિસ્તાર છઠ મૈયાના પરંપરાગત લોકગીતોથી ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર સમાજમાં એકતા અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application