BREAKING NEWS

જામનગરમાં એસ્ટેટની ટીમ સાથે માથાકૂટ : ફરજમાં રૂકાવટ

  • August 14, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં એસ્ટેટની ટીમ સાથે માથાકૂટ : ફરજમાં રૂકાવટ

બર્ધનચોક રોડ પર દબાણયુકત સામાન દુર કરવા જતા બોલાચાલી : વેપારી  અને પુત્ર સામે ફરીયાદ

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તહેવારને અનુલક્ષીને શહેરમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી વખતે મનપાના સિક્યુરિટી ઓફિસર તથા એસ્ટેટ ઓફિસરનો ચાર્જ સંભાળતા કમલેશભાઈ ગઢવી સહિતના સ્ટાફ સાથે વેપારી રાજુ ઉર્ફે શાહરૂખ સીંધી તથા તેના પુત્ર મનિષે બોલાચાલી કરી ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હોવાની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ, ગઇકાલે બપોરના સમયે મનપાના દબાણ વિભાગના નિરીક્ષક યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફ તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.એન. રાઠોડની હાજરીમાં દરબારગઢ સર્કલથી બર્ધન ચોક તરફ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

દરમિયાન જુમ્મા મસ્જિદ પાછળની શેરીમાં દુકાનની બહાર કપડાંનો પથારો તથા સામાન લટકાવી દબાણ કરી વેચાણ કરતો હોવાથી મનપાના કર્મચારીઓએ તેનો સામાન ટ્રેક્ટરમાં ચઢાવવાનું શરૂ કરતાં બબાલ થઇ હતી. દરમ્યાન અન્ય દુકાનનો દબાણયુકત સામાન હટાવતા મામલો ઉગ્ર બન્યો હતો. 

ફરિયાદમાં જણાવ્યા મુજબ, બાદમાં માંડવી ટાવરથી બર્ધન ચોક તરફ જતા રોડ પર ટ્રેક્ટર પાસે રાજુ ઉર્ફે શાહરૂખ સીંધી તથા તેનો પુત્ર મનિષ ફરીથી આવ્યા હતા અને સામાન છોડાવવા બાબતે જાહેરમાં અપમાનિત કરવાના ઇરાદે અપશબ્દો બોલી માથાકૂટ કરી હતી. આ દરમિયાન રાજુએ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને અહીં બર્ધન ચોકમાં ફરીવાર દેખાતા નહીં, હું સિંધી છું, કંઈક કરી નાખીશ, તમે બધાને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદના આધારે રાજુ ઉર્ફે શાહરૂખ સીંધી તથા તેના પુત્ર મનિષ સામે સરકારી ફરજમાં રૂકાવટ, ગાળો-અપમાન તથા ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવના સાક્ષીઓ તેમજ સ્થળ પરના સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application