જામનગરના મધ્યમાં 6 એકરમાં ઘનઘોર જંગલ, 35,000 વૃક્ષો સાથે બન્યું ઓક્સિજન પાર્ક
કોંક્રિટના વધતા જતા જંગલ વચ્ચે જામનગર શહેરને એક નવી ઓળખ મળી છે. શહેરની મધ્યમાં ગોલ્ડન સીટી પાસે સોનલનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા, રિલાયન્સ અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 8 એકરમાં વિશાળ બાયોડાયવર્સિટી પાર્ક ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 6 એકરમાં ઘનઘોર જંગલ અને 2 એકરમાં પાર્ક બનાવવામાં આવ્યો છે.
માત્ર 1 વર્ષની મહેનતમાં અહીં 35,000 થી વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. આજે આ વૃક્ષો વિશાળ થઈ ગયા છે અને શહેરની મધ્યમાં એક નેચરલ જંગલ તૈયાર થયું છે. વિવિધ પ્રજાતિઓના વૃક્ષો સાથે અહીં અલગ-અલગ પ્રજાતિના પક્ષીઓ પણ આવવા લાગ્યા છે.
પ્રદૂષણ વચ્ચે ઓક્સિજન પાર્ક બન્યું આશીર્વાદ:
વધતા જતા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની વચ્ચે આ ઓક્સિજન પાર્ક જામનગરવાસીઓ માટે રાહતરૂપ બન્યો છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ વ્યવસ્થા, ટપક પદ્ધતિથી પિયત અને ઓર્ગેનિક ખાતરથી વૃક્ષોની માવજત કરવામાં આવી રહી છે. દરરોજ 35,000 થી વધુ વૃક્ષોની વ્યવસ્થિત સંભાળ લેવામાં આવે છે.
હાર્ટફુલનેસ સંસ્થાના પ્રોજેક્ટ ઇન્ચાર્જ અક્ષતભાઈ વ્યાસે જણાવ્યું કે "આ પ્રોજેક્ટ જામનગર મહાનગરપાલિકા, રિલાયન્સ અને હાર્ટફુલનેસના સહયોગથી શક્ય બન્યો છે. આ સૌરાષ્ટ્રનું પ્રથમ અને એકમાત્ર બાયોડાયવર્સિટી પાર્ક છે."
JMC અધિકારી ભાવેશ જાનીએ કહ્યું કે "આગામી ટૂંક સમયમાં આ પાર્કને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે."
પર્યાવરણ પ્રેમી સચિન વ્યાસ, રાકેશ ભટ્ટ અને ભરત કવાડે પણ આ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની "એક પેડ મા કે નામ" ઝુંબેશને આ પાર્ક સાચા અર્થમાં સાર્થક કરી રહ્યો છે.
શહેરની મધ્યમાં બનેલું આ જંગલ માત્ર સૌંદર્ય જ નહીં પરંતુ પર્યાવરણ બચાવવાનો પણ એક અનોખો સંદેશ આપી રહ્યું છે.