BREAKING NEWS

જામનગરમાં ભાજપની બેઠકમાં એક હજારથી વધુ દાવેદારોમાંથી ત્રણ-ત્રણ નામની બની પેનલ

  • November 08, 2025 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર ભાજપના સંગઠનની પૂર્ણ રચનાની કવાયત અંતર્ગત ગઇકાલે સંકલનની મળેલી મેરેથોન બેઠકમાં ઉપપ્રમુખથી લઇને ખજાનચી અને કારોબારી સમિતિ તથા ૬ મોરચા માટે આવેલા ૧ હજારથી વધુ દાવેદારોમાંથી પ્રદેશના નિરીક્ષકોની હાજરીમાં ૩-૩ નામની પેનલ બની ગઇ છે અને હવે પ્રદેશ ભાજપ તરફથી જુદા-જુદા હોદાઓ માટે નામ નકકી કરીને મ્હોર લગાવવામાં આવશે. 


ગઇકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી અરવલ્લીના જિલ્લા પ્રભારી રાજુભાઇ શુકલ, કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા નિરીક્ષક તરીકે આવ્યા હતાં અને પ્રદેશ ભાજપની નવી પઘ્ધતિ મુજબ એમણે સંકલનની બેઠકમાં હાજરી આપી હતી, આ બેઠકમાં જામનગર-દેવભુમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, રાજયમંત્રી રિવાબા જાડેજા, મેયર વિનોદભાઇ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા પ્રભારી પલ્લવીબેન ઠાકર, પૂર્વ મંત્રીઓ પરમાણંદભાઇ ખટ્ટર તથા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા ઉપસ્થિત રહ્યા હતાં. 


બધા એવું માનતા હતાં કે, સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે, પરંતુ વાસ્તવમાં એવું હતું નહીં અને આ સંકલનની બેઠક હતી જેમાં અગાઉ આવી ચૂકેલા દાવેદારોના નામ પર ચર્ચા કરીને જે તે હોદા માટે ૩-૩ નામની પેનલ બનાવવાની હતી, મતલબ કે કોઇપણ દાવેદારને બોલાવીને સાંભળવામાં આવ્યા હોય એવું થયું નથી, કારણ કે દાવા અગાઉ જ આવી ચૂકયા હતાં. 


આજે શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સાથે આજકાલ દ્વારા વાતચીત કરીને સચોટ વિગતો મેળવવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૮ મંત્રી, ૧ ખજાનચી, શહેરની કારોબારીના ૭૦ સભ્ય આમ શહેર ભાજપ પ્રમુખ સહિત કુલ ૯૧ની શહેર ભાજપની ટીમ ઉપરાંત જુદા-જુદા મોરચામાં નિમણુંક કરવા માટે પણ કવાયત થઇ હતી.


શહેર સંગઠન હેઠળ આવતા યુવા મોરચા, મહીલા મોરચા, લઘુમતી મોરચા, બક્ષીપંચ મોરચા, કિશાન મોરચા અને અનુ.જાતિ મોરચામાં નિમણુંક માટે પણ નામો પર ચર્ચા થઇ હતી, અત્રે યાદ આપી દઇએ કે દરેક મોરચામાં ૧૩ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે, આમ ૯૧ શહેર ભાજપના અને દરેક મોરચાના ૧૩ સભ્યો માટે અગાઉ ૧ હજારથી વધુ દાવેદારોએ ઇચ્છા દર્શાવી છે અને એ તમામ નામ ગઇકાલની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતાં. 


બપોરના ૧૨ વાગ્યાથી લગભગ સાંજના ૫ વાગ્યા સુધી સંકલનની આ મેરેથોન બેઠક ચાલી હતી, શહેર ભાજપના બાકીના તમામ હોદા અને મોરચા માટે ૩-૩ નામની પેનલો તૈયાર કરવામાં આવી હતી, એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને નિરીક્ષકો રવાના થઇ ગયા હતાં, હવે નિયમ મુજબ પ્રદેશ ભાજપ હાઇ કમાન્ડ સમક્ષ આ પેનલો રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ હોદાઓ માટે નામ જાહેર કરવામાં આવી શકે છે, આ પેનલના નામ પ્રદેશની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં અપાય છે કે પછી પ્રદેશ ભાજપને સુપ્રત કરી દેવાશે તે હજુ સ્પષ્ટ થયું નથી. 


એક બાબત એ પણ પ્રકાશમાં આવી છે કે, ગઇકાલે સંકલનની બેઠક હતી અને તેમાં અગાઉ આવી ચૂકેલા દાવેદારોના નામ પર ચર્ચા થઇ હતી એટલે એવું પણ સમજી શકાય છે કે, શહેર ભાજપના હોદાઓ અને મોરચા માટે દાવા કરવાની પ્રક્રિયા છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી હશે અને તેને ચૂપચાપ પૂર્ણ કરી લેવામાં આવી છે. 


સંકલનની બેઠકમાં જામનગરના પ્રભારી મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા ઉપસ્થિત રહેશે એવી વાત હતી, પરંતુ ગઇકાલે તેઓ આવ્યા ન હતાં, આ સિવાયના તમામ ધુરંધરોએ પ્રક્રિયા પૂર્ણ કરી હતી, અત્રે યાદ આપી દઇએ કે, ભૂતકાળમાં શહેર ભાજપ પ્રમુખની વરણી થઇ ગયા બાદ ઉપપ્રમુખ, મહામંત્રીઓ સહિતના હોદાઓ માટે કયારેય આ પ્રકારે સંકલનની બેઠક મળી હોય અને તેમાં ૩-૩ નામની પેનલ બની હોય એવું કયારેય થયું ન હતું એટલે પ્રક્રિયનો આ નવો ભાગ બધા માટે સરપ્રાઇઝ સમાન હતો અને એટલે જ મોટાભાગના લોકો એવું માનતા હતાં કે, સેન્સ લેવામાં આવી છે, પરંતુ એવું થયું નથી. હવે પ્રદેશની મ્હોર લાગ્યા બાદ શહેર સંગઠનના હોદાઓ તેમજ વિવિધ મોરચાઓ માટે નામની જાહેરાત થશે જેના પર સૌની નજર રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application