જામનગર નજીક ધુતારપર રોડ ખારા વેઢા ગામના પાટીયા પાસે ગઇકાલે સમી સાંજે બે મોટરસાકયલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બે વ્યકિતના કરૂણ મૃત્યુ નિપજયા હતા, જયારે એક બાળકીને ઇજા પહોચતા સારવાર માટે કાલાવડ ખસેડવામાં આવી હતી, આ બનાવ અંગે એક બાઇકચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી.
રાજકોટ કોઠારીયા રોડ, સનાતન પાર્ક અને જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા ખેતી કરતા ભરત કાબાભાઇ દોમડીયા (ઉ.વ.૪૯)એ ગઇકાલે પંચકોશી-એમાં મોટરસાયકલ નં. જીજે૧૬બીએફ-૩૦૨૭ના ચાલક બિશનસીંગ શંકરભાઇ અજનારની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર ગઇકાલે સાંજે ફરીયાદીના ભાઇ રમેશ કાબાભાઇ દોમડીયા (ઉ.વ.૫૬) પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦એસ-૯૪૪૫ લઇને પીઠડીયા ગામથી બજરંગપુર ગામ આવ્યા હતા, ત્યારે ખારાવેઢા ગામના પાટીયા પાસેના રોડ પર પહોચતા સામેથી મોટરસાયકલ નં. જીજે૧૬બીએફ-૩૦૨૭ના ચાલક બિશનસીંગે પોતાની ડબલ સવારી બાઇકને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રમેશભાઇના મોટરસાયકલ સાથે સામેથી જોરદાર ભટકાડી અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં રમેશભાઇ દોમડીયાને માથા, કપાળ, મોઢા અને ગોઠણના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજયુ હતું તેમજ સામેના મોટરસાયકલમાં પાછળ બેઠેલ ચાર વર્ષની બાળકીને પગ, માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી આથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
અકસ્માત સર્જનાર બાઇકચાલક બિશનસીંગને માથા, મોઢા અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજયુ હતું. અકસ્માતની જાણ થતા પંચકોશી-એના પીએસઆઇ એ.આર. પરમાર સ્ટાફ સાથે દોડી ગયા હતા, ફરીયાદ અનુસંધાને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગોઝારા અકસ્માતમાં બે વ્યકિતના ભોગ લેવાતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.