જામનગર પંથકમાં વાહન અકસ્માતના જુદા જુદા બનાવમાં ૩ વ્યકિતના મૃત્યુ થયા છે, જેમાં મોડપર પાસે બાઇકની હડફેટે વૃઘ્ધનું મોત થયુ હતું, ગોરધનપર નજીક હીટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા પુષનો ભોગ લેવાયો છે અને જોગવટ પાટીયાથી આગળ રોડ ક્રોસ કરી રહેલા પરપ્રાંતીય વૃઘ્ધને ટેમ્પોએ હડફેટે લેતા સારવારમાં મૃત્યુ થયું છે, આ બનાવોમાં પોલીસ ફરીયાદો દાખલ થતા આરોપીઓ ચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, જયારે હીટ એન્ડ રનના બનાવમાં મૃતકના વાલી વારસો બાબતે સિકકા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા ખેતીકામ કરતા કિશોર વલ્લભભાઇ ભંડેરી (ઉ.વ.૪૬)એ ગઇકાલે પંચ-એમાં સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે૧૦ઇબી-૮૬૫૧ના ચાલક સામે ફરીયાદ કરી હતી, આથી પોલીસે તપાસ હાથ ધરી છે.
તા. ૧૮ના સાંજના ૭-૩૦ના સુમારે ફરીયાદીના પિતા વલ્લભભાઇ પ્રેમજીભાઇ ભંડેરી (ઉ.વ.૬૭) ઘરેથી વાડીએ પગપાળા જતા હતા અને મોડપરથી જામનગર તરફ ગામના સ્મશાન સામેના રોડ પર પહોંચતા ઉપરોકત નંબરના સ્પલેન્ડર બાઇકના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી વલ્લભભાઇને હડફેટે લઇ માથા તથા હાથ-પગમાં ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું. બનાવની જાણ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં જામનગર-ખંભાળીયા હાઇવે ફુડ રીસોર્ટની સામે ફાર્મના ગેઇટની બાજુમાં ગોરધનપર પાસે ગઇકાલે અજાણ્યા રખડતા ભટકતા ૪૦ વર્ષના પુરૂષને કોઇ અજાણ્યા વાહનચાલકે બેદરકારીથી ચલાવીને હડફેટે લીધા હતા, રોડ પર ચાલ્યા જતા અજાણ્યા પુરૂષની સાથે વાહન અથડાવી શરીરે ગંભીર ઇજાઓ કરતા મૃત્યુ નિપજાવ્યુ હતું અને ચાલક નાશી ગયો હતો, આ અંગે ગાંધીનગરમાં રહેતા સામાજીક કાર્યકર હિતેશગીરી ગોસાઇ દ્વારા સિકકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને અજાણ્યા વાહનના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
અજાણ્યા પુરૂષે શરીરે લાલ કલરનું બ્લુ લીટીવાળુ, અડધી બાંયનું ટીશર્ટ અને આછા પીળા કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે, આશરે ૪૦ વર્ષની વય છે, મરણજનારના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે અને વાલી વારસ બાબતે સિકકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત મુળ ઉત્તરપ્રદેશના જીવનપુરી-૪, નરોરા, ડીબોઇ ખાતે રહેતા મજુરી કરતા વિજેન્દ્રસિંહ ગંગાસિંહ યાદવ (ઉ.વ.૨૯)એ ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં ટાટા-૪૦૭ ટેમ્પો ગાડી નં. જીજે૧૭એકસએકસ-૦૬૯૩ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ફરીયાદી વિજેન્દ્રસિંહ તથા મરણજનાર ગંગાસિંહ પાખીસિંહ યાદવ (ઉ.વ.૫૩) ધંધો મજુરી રહે. હાલ જોગવડ પાટીયાથી આગળ હોટલ પાછળ, મુળ જીવનપુરી નરોરા, ડીબોઇ-યુપીવાળા ગત તા. ૧૫ના રાત્રીના ૯ વાગ્યાના સુમારે જામનગરથી ખંભાળીયા હાઇવે, આશાપુરા હોટલ સામે ચાલીને જતા હતા અને રોડ ક્રોસ કરતા હતા એ વેળાએ ટેમ્પો ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી હડફેટ ેલીધા હતા જેમાં ગંગાસિંહ ફંગોળાઇ જતા ગંભીર ઇજા સબબ જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ અંગે ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.