ઘોર બેદરકારી: ખંભાળીયામાં ઝેરી પાણીનું તાંડવ
નળમાં શરબત જેવા રંગબેરંગી ગંદા પાણીથી પ્રજા ઝાડા-ઊલટી ભોગ બની, છેક ગાંધીનગર સુધી પડઘા પડતાં તંત્ર દોડતું થયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં સ્થાનિક નગરપાલિકા તંત્રની ગંભીર અને ગુનાહિત બેદરકારીનો પર્દાફાશ થયો છે. પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પીવાના પાણીમાં અતિશય દૂષિત અને ગંદુ પાણી આવવાના કારણે આખું શહેર રોગચાળાના ખપ્પરમાં હોમાયું છે.
આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, નળમાં આવતું પાણી ક્યાંક લીલું, ક્યાંક લાલ તો ક્યાંક ભૂખરા રંગનું આવી રહ્યું છે, જે જોતા એવું લાગે કે જાણે નળમાંથી પાણી નહીં પણ જુદા જુદા કલરના શરબત વહી રહ્યા હોય! આ દૂષિત પાણીના વપરાશ અને સેવનથી સામાન્ય નાગરિકો તો ઠીક, પણ ખુદ તબીબો (ડોક્ટરો) અને પોશ વિસ્તારના લોકો પણ પેટના દુખાવા તથા ઝાડા-ઊલટી જેવા ગંભીર રોગોનો ભોગ બન્યા છે.
સ્થાનિક સ્તરે રજૂઆતો કરવા છતાં જ્યારે તંત્રના બહેરા કાને કોઈ દાદ ન દીધી, ત્યારે રોષે ભરાયેલા જાગૃત નાગરિકોએ છેક ગાંધીનગર સુધી ફરિયાદોનો મારો ચલાવ્યો હતો અને મામલો કોર્ટમાં લઈ જવાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી હતી. ગાંધીનગરથી દબાણ આવતા અને રાતોરાત પડઘા પડતા જ સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે ફફડાટ મચી ગયો હતો અને કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું તંત્ર એકાએક દોડતું થઈ ગયું હતું.
આ સમગ્ર મામલે દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ તાકીદે એક્શન મોડમાં આવીને પાલિકા વહીવટદાર કરમુર તથા ચીફ ઓફિસરને અતિ કડક સૂચનાઓ આપીને તપાસના આદેશો આપ્યા હતા. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવતા ભયાનક વાસ્તવિકતા સામે આવી હતી કે, રામનાથ સોસાયટી અને રાવલીયા પાડા વોર્ડ નંબર-૮ માં પીવાના પાણીની મેઈન લાઈનની બાજુમાંથી જ ગટરની લાઈન પસાર થતી હતી. પાણીની પાઈપલાઈનના જોઈન્ટ્સ લીકેજ હોવાના કારણે ગટરનું ગંદુ અને મળમૂત્ર વાળું પાણી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભળી રહ્યું હતું! આ ઉપરાંત સલયા ગેઈટ પાસે ખુલ્લી ગટરમાં બે નળના જોડાણો પણ ખુલ્લા હોવાથી ગટરનું ગંદુ પાણી સપ્લાયમાં જતું હતું. આ ભયંકર લીકેજ અને ગટરના જોડાણોને બંધ કરવા માટે તંત્રએ તાબડતોબ કોંક્રીટ અને રિપેરિંગની કામગીરી હાથ ધરવી પડી હતી.
રોગચાળાની ગંભીર સ્થિતિને જોતા જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગની ટીમોને મેદાનમાં ઉતારીને પ્રભાવિત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે શ કરાવી દીધો છે. સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલના અંતમાં કે મે મહિનાની શરૂઆતમાં ખંભાળિયા શહેરને નર્મદાનું પાણી અપાતું હોય છે, પરંતુ આ વર્ષે તંત્રની આળસને કારણે નર્મદાનું પાણી ચાલુ કરાયું નહોતું. હવે જ્યારે પાણી પુરવઠા તંત્ર જાગ્યું છે ત્યારે તાકીદે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ઘી ડેમ, કૂવા અને નર્મદાના પાણીના સંયુક્ત મિશ્રણથી પાણીની સ્થિતિમાં થોડો સુધારો નોંધાયો છે.
પાલિકા તંત્ર ભલે એવો દાવો કરતું હોય કે પાણીમાં ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ગટરના પાણી ભળવાની આ ગંભીર બેદરકારી બદલ જનતામાં તંત્ર પ્રત્યે ભારે ફિટકારની લાગણી વર્ષી રહી છે. હાલ પૂરતું ચોખ્ખું પાણી આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને કોર્ટમાં જવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે, પરંતુ પીવાના પાણી જેવા સંવેદનશીલ મુદ્દે ભવિષ્યમાં આવી ઘોર લાપરવાહી ન દાખવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.