ગુજરાતમાં પહેલીવાર ડ્રોન ઉડાડી પોલીસે 12 કલાકથી ગુમ 8 વર્ષની બાળકીને શોધવામાં સફળતા મેળવી છે. આ સરાહનીય કામગીરી ઉધના પોલીસે કરી છે. માતાએ ભણવા બાબતે ઠપકો આપતા બાળકી ઘરથી જતી રહી હતી. પરિવારે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. સીસીટીવી, ટેક્નિકલ સર્વેલન્સના આધારે સફળતા ન મળતા ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. ડ્રોનથી બાળકી ઉધના શાકભાજી માર્કેટ પાસે જોવા મળી હતી. પોલીસ તાત્કાલિક પહોંચી બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો
મળતી માહિતી મુજબ, ગઈકાલે ઉધના વિસ્તારમાં રહેતાં પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં ગુસ્સામાં બાળકી હું રમવા જાઉં છું કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘેરથી નીકળી ગઈ હતી. લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. રાતના આઠ વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા-પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતાં અને આખરે ઉઘના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.
માતા-પિતા રડતાં-રડતાં એક જ વાત કરી રહ્યા હતા
પોલીસ સ્ટેશનમાં પહોંચેલા માતા-પિતા રડતાં-રડતાં એક જ વાત કરી રહ્યા હતાં કે, અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને મળી રહી નથી. આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક પાંચ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા તમામ 25 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા-પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા હતા. દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી.
હજારો લોકોની અવરજવર વચ્ચે એક બાળકીને શોધવી મુશ્કેલ હતી
કલાકો સુધી 25થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી. એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના બીઆરસી પોલીસ ચોકી પાસેથી વિજયાનગર શાકમાર્કેટ તરફ જતા જોવા મળી હતી. જેથી પોલીસે તુરંત એક ટીમને ત્યાં જવા માટે જણાવ્યું હતું. પરંતુ વિજયાનગર શાકમાર્કેટ તો સુરતની સૌથી ભીડવાળી જગ્યામાંની એક છે. હજારો લોકોની અવરજવર વચ્ચે એક બાળકીને શોધવી મુશ્કેલ હતી.
ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરી બાળકીને ફોકસ કરાઈ
ભીડ અને સાંકડી શેરીઓને જોતા પોલીસે ડ્રોન ઉડાડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય. લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગ્યે બાળકી શોધી કાઢવામાં આવી હતી. ડ્રોનના વિઝનમાં શાકમાર્કેટની ભીડમાં એક નાનકડી બાળકી દેખાઈ હતી. તે જ કપડાં, તે જ ઉંમરની બાળકી નજરે પડતા ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરી બાળકીને ફોકસ કરાઈ હતી.
પોલીસ પાસે દોડી ગઈ અને બાળકી રડવા લાગી
બાદમાં એ જ બાળકી હોવાનું માલુમ થતા તે સ્થળે ચાર પોલીસ જવાનો તાત્કાલિક પહોંચી ગયા હતા. તેમને એક ભયભીત અને ભટકતી બાળકી નજરે પડી હતી. જેમ-જેમ પોલીસ બાળકીની નજીક ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયાં છે. બાદમાં પોલીસકર્મીએ કહ્યું કે, બેટા, તું ગભરાઈશ નહીં, અમે તને તારા મમ્મી-પપ્પા પાસે લઈ જઈશું. આ શબ્દો સાંભળતા જ બાળકી એક જ ઝટકે પોલીસ પાસે દોડી ગઈ અને રડવા લાગી હતી.
પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા-પિતાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. જેમણે પોલીસનો આભાર માનતા કહ્યું કે, આજે તમે અમારું જીવન બચાવી લીધું. ઉધના પોલીસની ઝડપભરી કાર્યવાહી, સીસીટીવી ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેકનોલોજી આ બધાનું જ ભવ્ય પરિણામ હતું કે, એક માસૂમ બાળકી સલામત ઘરે પરત આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech