BREAKING NEWS

જામનગરમાં સોલાર પેનલના બહાને ૧૦૦ સાથે ઠગાઇ: ટોળકી ઝડપાઇ

  • January 20, 2026 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર જિલ્લા સહિતના ૧૦૦થી વધુ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ કંપનીના નામે આકર્ષક જાહેરાત આપી ઠગાઇ કર્યાના ચકચારી બનાવમાં જામનગર સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરીને ટોળકીના પાંચ સાગરીતોને ઝડપી લીધા છે, જયારે એક શખ્સની શોધખોળ આદરવામાં આવી છે, પકડાયેલા શખ્સો પાસેથી ૧૨ મોબાઈલ ફોન, ૨ સીપીયુ, ૮ બેન્કની પાસબુક સહિતનું સાહિત્ય કબજે કર્યું છે અને તપાસને લંબાવવામાં આવી છે.


જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક નાગરિકે પોતાના ઘેર સોલાર પેનલ ફીટ કરી આપવાના બાબતે એક ખાનગી કંપનીના બે સંચાલકો સામે સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી હતી, અને જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમેં આ પ્રકરણમાં તપાસમાં ઝુકાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું, કે એક સોલાર કંપનીની જાહેરાત આપનાર પાર્ટી કે જેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી આપવાનું પ્રલોભન આપી તેના માટે બેન્કમાંથી લોન કરાવી દીધા બાદ નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખતા હતા, અને સોલાર પેનલ ફીટ નહીં કરી આપી, છેતરપિંડી કરી હતી. જે પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસની ટીમે એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા છે.


જે ટોળકીએ ઇન્ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પેનલની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી કંપનીના નામે  લોકો સાથે સાયબર ઠગાઈ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને વધુ તપાસ દરમ્યાન ખુલ્યું છે કે આરોપીઓએ આ રીતે ૧૦૦ કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ સોલાર પેનલ સ્થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણાં પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા. ઉપરાંત, આ નાણાં ઠગાઈના હોવાની જાણ હોવા છતાં આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.


આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ -૨૦૦૦ ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, અને તે ગુન્હામાં હિરેનભાઈ નાથાલાલ લાઠીયા ઉ.વ.૩૭ રહે. તીરૂપતી પાર્ક ૭/બી ઢિંચડા રોડ મુળ રહે.કૃષ્ણકુંજ શેરી નં.૪ હિમાલય સોસયટી જામનગર, ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા ઉ.વ.૩૬ રહે.નિલકમલ સોસાયટી શેરી નં.૫ ખોડીયાર કોલોની જામનગર, રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ ઉ.વ.૫૨ રહે.૧/૨ મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્કૂલની સામે જામનગર અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર ઉ.વ.ર૮ રહે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર, અને રામજી કમોદસિંઘ લોધી ઉ.વ.૨૫ નોકરી રહે જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્ટ ત્રીજો માળ જામનગર મુળ એમપી બક્ષીપુરાની અટકાયત કરી લીધી છે.


જેઓ પાસેથી ૧૨ નંગ મોબાઈલ ફોન, બે નંગ સી.પી.યૂ., ૮ નંગ જુદી જુદી બેંકની પાસબુક, ચેકબુક સહિતનું સાહિત્ય કબજે કરાયું છે. આ પ્રકરણમાં તેઓની સાથે સંકળાયેલા અન્ય છઠ્ઠા આરોપી કાના બૈડીયાવદરાને ફરારી જાહેર કરાયો છે, અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.


સાયબર ક્રાઇમના પીઆઇ આઇ.એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના દર્શીતભાઇ, રાજેશભાઇ વિગેરે દ્વારા ટેકનીકલ એનાલીસીસ અને માહિતી એકત્ર કરી કામગીરી કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ પરથી સ્પષ્ટ થાય છે કે કેટલાક તત્વો ઓનલાઇન જાહેરાતો આપી લોકોને વિશ્ર્વાસમાં લઇ તેમના નામે બેંક લોન કરાવી નાણા અંગત ઉપયોગમાં લઇ સોલનાર ફીટીંગ નહી કરાવી સાયબર ફ્રોડ કરે છે જેથી આ પ્રકારની ઓનલાઇન જાહેરાત બાબતે સતર્ક રહેવા અને કોઇપણ જાતની ખરાઇ કર્યા વીના વિશ્ર્વાસ મુકવો નહી અને ઓનલાઇન ચુકવણી કરવી નહી સતર્કતા એ જ સુરક્ષા તેવો પ્રજાજોગ સંદેશ આપ્યો છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application