BREAKING NEWS

જામનગરમાં દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધી સીસી રોડના કામ સામે વેપારીઓનો વિરોધ

  • November 13, 2026 11:57 AM 

જામનગરમાં દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધી સીસી રોડના કામ સામે વેપારીઓનો વિરોધ
​​​​​​​
માર્ગની કામગીરી તાકીદની અસરથી મોકૂફ રાખવા મ્યુનિસિપલ કમિશ્ર્નરને આવેદન પત્ર પાઠવ્યું 

સમયમર્યાદામાં કામ પૂરા થતા નથી, ટ્રાફીકની પારાવાર સમસ્યા સહીતના ચોંકાવનારા કારણો રજૂ કર્યા

જામનગર શહેરના અતિવ્યસ્ત અને મહત્વના ગણાતા દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધીના માર્ગને સીસી રોડ બનાવવાની મહાનગરપાલિકાની યોજના સામે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પર સીસી રોડ બનાવવાની કામગીરી હાલ તુરંત બંધ રાખવા અથવા પુન:વિચારણા કરવાની માંગ સાથે સ્થાનિક વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં સમયમર્યાદામાં કામ પૂર્ણ થતા નથી, ટ્રાફીકની પારવાર સમસ્યા સહીતન ચોંકાવનારા કારણો રજૂ કરવામાં આવતા અનેક સવાલ ઉભા થયા છે. 

વેપારીઓએ કમિશ્ર્નરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધીનો આ માર્ગ શહેરના અત્યંત વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે, જેની સાથે અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ, વ્યવસાયો અને લોકોની રોજીરોટી જોડાયેલી છે. આ માર્ગ પર પોસ્ટ ઓફિસ આવેલી હોવાથી નાગરિકોની દૈનિક અવરજવર માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે. ઉપરાંત, આ માર્ગ પર બે મોટા ધાર્મિક આસ્થાના સ્થળો આવેલા હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. આ વિસ્તારમાં અનાજ બજાર સહિત અનેક ચીજવસ્તુઓની હેરાફેરી અને સપ્લાય કરવામાં આવતો હોવાથી જો માર્ગ પર અવરજવર ખોરવાય તો વેપાર-વાણિજ્ય અને સપ્લાય વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે તેમ છે. ચાલુ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે વેપાર-ધંધા પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં વેપાર બંધ રાખવાની કે અવરજવરમાં મુશ્કેલી ઊભી થાય તો વેપારીઓ માટે આર્થિક સંકટ વધુ ગંભીર બની શકે છે.

છેલ્લા બે વર્ષના વિકાસ કાર્યોના અનુભવને ધ્યાનમાં લેતા અનેક કામો નિર્ધારિત સમયમયાર્દામાં પૂર્ણ થયા ન હોવાથી, જો ફરીથી કોઈ મોટું કામ શરૂ કરવામાં આવે તો સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ લાંબા સમય સુધી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વળી, તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગો પર પણ પહેલેથી જ ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય, જો આ મુખ્ય માર્ગ બંધ કરવામાં આવે તો ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ છે. તેથી, જનહિત અને વેપારીઓના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધીના માર્ગ પર સીસી રોડ બનાવવાની કામગીરી હાલ પૂરતી બંધ રાખવા અથવા આ માર્ગના વૈકલ્પિક આયોજન અંગે ગંભીરતાથી પુન:વિચારણા કરવા સ્થાનિક વેપારીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application