BREAKING NEWS

પીડીએમ ફાટકે અન્ડર પાસનો પ્રોજેક્ટ લટક્યો

  • January 13, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઢેબર રોડ અને ગોંડલ રોડની ભયંકર ટ્રાફિક સમસ્યા ઉકેલવા રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૩ અને ૧૭ની સરહદને વિભાજિત કરતા રેલવે ટ્રેક ઉપર અન્ડરપાસ બનાવવાનો પ્રોજેક્ટ જાહેર કરાયો હતો પરંતુ આ પ્રોજેક્ટ માટેના કુલ રૂપિયા ૮૪ કરોડના એસ્ટિમેટમાંથી મહાપાલિકા દ્વારા ખર્ચની અડધી રકમ રેલવે તંત્ર પાસેથી માંગવામાં આવતા રકમ આપવાનું તો દૂર, રેલવે તંત્રએ આ માંગણી પત્રનો પ્રત્યુતર પણ નહીં પાઠવતા હાલ આ પ્રોજેક્ટ આયોજનના તબક્કે જ અટકી પડ્યો હોય આ અંગે ડીઆરયુસીસી અને ઝેડઆરયુસીસીના પૂર્વ મેમ્બર વિપક્ષ કોંગ્રેસના અગ્રણી દ્વારા મનપા તેમજ રેલવે તંત્રમાં ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઇ છે.

દક્ષિણ રાજકોટમાં ગોંડલ રોડ અને ઢેબર રોડ વચ્ચે આવેલા પીડીએમ રેલવે ફાટકને દૂર કરી ત્યાં આગળ અન્ડર પાસ બનાવવા માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે મંજૂર કરતા રાજકોટ મહાપાલિકાએ આ અંગેની પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટેનું જનરલ એરેજમેન્ટ ડ્રોઈંગ તેમજ એસ્ટિમેટ પણ તૈયાર કરી નાખવામાં આવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ અહીં અંડરપાસ બનાવવા માટે કુલ રૂ.૮૪ કરોડ જેવો ખર્ચ હાલની સ્થિતિએ થાય છે. આ પ્રોજેક્ટ માટેની અડધી રકમ રેલવે તંત્ર આપે તે માટે મહાપાલિકાએ રેલવે તંત્રમાં પત્ર પાઠવી માંગણી દરખાસ્ત રજૂ કરી હતી પરંતુ રકમ આપવાની વાત તો દૂર રહી રેલવે તંત્રએ આજ દિવસ સુધી આ પત્રનો પ્રત્યુતર પણ પાઠવ્યો નથી જેના પગલે ઉપરોક્ત અન્ડર પાસનું કામ આયોજનને તબક્કે જ અટકી પડ્યું છે.

મહાપાલિકા તંત્રએ અગાઉ ગોંડલ રોડ ઉપર મવડી ફાટકે નિર્માણ કરેલો ટ્રાયેંગ્યુલર ફ્લાય ઓવર બ્રિજ અમુક મિલકતોને કપાત થતી બચાવવા માટે બોટલ નેક ડિઝાઇનથી સાંકડો બનાવતા તેના ઉપરથી એસટી બસ સહિતના ભારે વાહનો પસાર થતા નથી અને સાંકડો બ્રિજ હોવાને કારણે સતત વાહન અકસ્માતનો ભય રહે છે, ઉલટું હાલ તો આ બ્રિજ ઉપર પણ ટ્રાફિક જામ થવા લાગ્યો છે. હવે આવા હાલ પીડીએમ ફાટકે નિર્માણ થનારા અંડરપાસના ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરને પણ આ મામલે રજૂઆત કરાઇ હોવાનું જાણવા મળે છે.

પીડીએમ ફાટકે અંડરપાસ નિર્માણ માટે ગોંડલ રોડ અને ઢેબર રોડ તેમ બન્ને તરફ અંદાજે ૬૦થી વધુ મિલકતો કપાતમાં જાય તેમ હોય ટીપી બ્રાન્ચ દ્વારા એલઓપી માટે સર્વે શરૂ કરાયો છે પરંતુ ત્યારબાદ નોટિસ બજવણી સહિતની કોઇ કાર્યવાહી કરાઇ નથી.એકંદરે મહાપાલિકા તંત્ર અને રેલવે તંત્ર વચ્ચે ખર્ચની રકમની ખેંચતાણમાં સમગ્ર પ્રોજેક્ટ અધ્ધરતાલ થઇ ગયો છે.


સાંઢીયો પુલ: સપ્તાહમાં જવાબ આપશે રેલવે

સાંઢીયા પુલના રેલવે ટ્રેક ઉપરના સેન્ટ્રલ પોર્શનનું કામ હાલ અટકી પડ્યું હોય આ મુદે રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મનપાએ કરેલી માંગણીઓ મુદ્દે રેલવે તંત્રએ ક્વેરી કાઢી હતી જેનો તાજેતરમાં મનપાએ પ્રત્યુતર પાઠવ્યો છે. રેલવે ટ્રેક ઉપરના કામે ટ્રેન પસાર થવાની હોય તેવો સમય (બ્લોક) ફાળવવાનો હોય અને તે ખૂબ ચોક્કસ આયોજન માંગતી અને મુંબઈ હેડક્વાર્ટરથી મંજૂરી લેવી પડે તેવી બાબત છે. આમ છતાં ક્યારથી સેન્ટ્રલ પોર્શનનું કામ શરૂ કરવું તે અંગે રેલવે સપ્તાહમાં જવાબ આપશે તેમ વર્તુળોએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application