જામનગરમાં તા.૩૧મીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ
ભારતમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે ઊજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રન ફોર યુનિટી-૨૦૨૫ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સુચારૂ આયોજનના ભાગરૂપે જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં કલેકટરએ જામનગરવાસીઓ ઉત્સાહપૂર્વક રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભાગ લે તે પ્રકારે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા લગત અધિકારીઓને સૂચનો આપ્યા હતા. આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.૧ના પાર્કિંગથી, શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી, મયુર મેડિકલ થઈ રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થશે. ત્યારબાદ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની પુર્ણાહુતીના ભાગરૂપે સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, શાળાના વિદ્યાર્થીઓ, જામનગરવાસીઓ વગેરે સહભાગી થશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈની, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશ્નર ઝાલા તથા લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.