BREAKING NEWS

જામનગરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલના પવિત્ર ચાલિયા સાહેબનો શુભ પ્રારંભ

  • July 17, 2026 10:18 AM 

જામનગરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલના પવિત્ર ચાલિયા સાહેબનો શુભ પ્રારંભ

આગામી ૪૦ દિવસ સુધી શ્રદ્ધા, ઉપવાસ, ભજન-કીર્તન, સેવા અને અનુષ્ઠાનથી ભક્તિમય બનશે સિંધી સમાજ; વિશ્વ કલ્યાણ, સારા વરસાદ અને સુખ-સમૃદ્ધિ માટે થશે પ્રાર્થનાઓ

સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી ઝુલેલાલના પવિત્ર ચાલિયા સાહેબનો ગઇકાલથી દેશભર સહિત જામનગરમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પ્રારંભ થયો છે. સિંધી સમાજ માટે આ ૪૦ દિવસનું અનુષ્ઠાન અત્યંત પવિત્ર અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સમાજના વડીલો, માતાઓ, બહેનો, યુવાવર્ગ તેમજ બાળકો શ્રદ્ધાપૂર્વક ચાલિયા સાહેબનું વ્રત, ઉપવાસ અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું પાલન કરશે.

ચાલિયા સાહેબ દરમિયાન ભગવાન શ્રી ઝુલેલાલના મંદિરોમાં દરરોજ વિશેષ પૂજા-અર્ચના, આરતી, ચાલીસા પાઠ, ભજન-કીર્તન, પલ્લવ, અખો, બહેરાણા સાહેબની પૂજા તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભક્તો ભગવાન શ્રી ઝુલેલાલના ચરણોમાં વિશ્વમાં સુખ, શાંતિ, સારા વરસાદ, સમૃદ્ધિ, માનવ કલ્યાણ અને સર્વના મંગળ માટે પ્રાર્થના કરશે.

આ વર્ષે ચાલિયા સાહેબના પવિત્ર પ્રારંભ નિમિત્તે સિંધી સમાજના ધર્મગુરુ અને સાઈ ઝુલેલાલના બાળ સ્વરૂપ પરમ પૂજનીય સાઈ શહેરાવાલેની વિશેષ પાવન ઉપસ્થિતિમાં ભવ્ય ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન પરમ પૂજનીય સાઈ શહેરાવાલે સમાજના વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, યુવાનો તથા બાળકોને આશીર્વચન આપશે. ત્યારબાદ પરંપરાગત વિધિ અનુસાર ચાલિયા સાહેબની પવિત્ર મટકી અર્પણ કરી ચાલિયા સાહેબનો વિધિવત્ શુભ પ્રારંભ કરાવશે.

આ પવિત્ર ૪૦ દિવસ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ સાત્વિક આહારનું પાલન કરશે, વ્યસનોથી દૂર રહી સંયમિત અને આધ્યાત્મિક જીવન જીવવાનો સંકલ્પ લેશે. સાથે જ દાન, સેવા, પરોપકાર અને માનવતાના કાર્યોને પણ વિશેષ મહત્વ આપવામાં આવશે. અનેક પરિવારો પોતાના ઘરે ભગવાન શ્રી ઝુલેલાલની અખંડ જ્યોત પ્રગટાવી નિયમિત પ્રાર્થના અને ભજન-કીર્તન કરશે.

ચાલિયા સાહેબ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ સિંધી સમાજની સંસ્કૃતિ, પરંપરા, આસ્થા અને એકતાનું જીવંત પ્રતિક છે. આ પવિત્ર અવસર સમાજને આધ્યાત્મિક રીતે વધુ મજબૂત બનાવે છે અને નવી પેઢીને પોતાની ધાર્મિક તથા સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડવાનો મહત્વપૂર્ણ અવસર પૂરો પાડે છે.

ચાલિયા સાહેબના પવિત્ર દિવસોમાં વિવિધ શ્રી ઝુલેલાલ મંદિરો તથા સિંધી સામાજિક સંસ્થાઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમો, ભજન સંધ્યા, સત્સંગ, પ્રસાદ વિતરણ અને સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

ચાલિયા સાહેબનો સમાપન ભાદરવા મહિનામાં પરંપરાગત રીતે ભગવાન શ્રી ઝુલેલાલની વિશેષ પૂજા-અર્ચના, બહેરાણા સાહેબ, આરતી, ભજન-કીર્તન, મહાપ્રસાદ અને ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવશે.

સિંધી સમાજના આગેવાનોએ સમાજના તમામ ભાઈઓ-બહેનોને ચાલિયા સાહેબના આ પવિત્ર અવસર પર શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક અનુષ્ઠાનમાં જોડાઈ ભગવાન શ્રી ઝુલેલાલના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application