જામનગર: જામધર્માદા ટ્રસ્ટના પગાર બીલમાં ગોટાળા કરી ૧૮.૩૦ લાખની ઉચાપત
ટ્રસ્ટના એકાઉન્ટન્ટએ બીલમાં વધુ રકમ દર્શાવી જાણ બહાર સહીઓ કરી : પોલીસ ફરીયાદ નોંધાવાઇ
જામધર્માદા ટ્રસ્ટના કર્મચારીઓના પગાર બીલમાં વધુ રકમ દર્શાવીને જાણ બહાર સહીઓ કરીને આ રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ૧૮.૩૦ લાખની ઉચાપત આચર્યાની વિગતો સામે આવતા રકમ જમા કરાવવા કહેવામાં આવ્યુ હતું જો કે રકમ ટ્રસ્ટમાં જમા નહી કરાવતા આખરે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો જયાં ટ્રસ્ટના એકાઉન્ટન્ટ સામે વિશ્ર્વાસઘાત કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના પંચેશ્ર્વર ટાવર પાસે રહેતા આનંદ બાબુ પરમાર જામધર્માદા ટ્રસ્ટમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતો હોય દરમ્યાન ટ્રસ્ટના કર્મચારીના પગાર થતા હોય તે પગાર બીલમાં વધુ રકમ ભરીને ટ્રસ્ટના એકાઉન્ટ તથા મહારાજા જામસાહેબના બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ દિવસે અલગ અલગ ચેકો દ્વારા મહારાજાની જાણ બહાર પગાર બીલમાં વધુ રકમ દર્શાવી ચેકમાં વધુ રકમ ભરી ફેરફાર કરી જાણ બહાર સહી લઇ પોતાના એકાઉન્ટમાં તથા પોતાની પત્ની એકતા પરમારના બેન્ક એકાઉન્ટમાં તેના પગાર કરતા વધુ રકમ મેળવી હતી.
આશરે ૧૮.૩૦ લાખની રકમ ટ્રાન્સફર કરી જામસાહેબે આપેલ ચેકો પોતાના બેન્ક એકાઉન્ટમાં પોતાના અંગત લાભ માટે નાણા મેળવી વિશ્ર્વાસઘાત કર્યો હતો.
સને ૨૦૨૩ થી ફેબ્રુઆરી ૨૦૨૬ના સમયગાળા દરમ્યાન જામધર્માદા ટ્રસ્ટ પ્રતાપ વિલાસ પેલેસ રોડ ખાતે બનાવ બન્યાનું જણાવવામાં આવ્યુ છે, દરમ્યાનમાં પંચવટી સોસાયટી ગૌશાળા પ્લોટ ખાતે રહેતા ટ્રસ્ટના કર્મચારી મદદનીશ નરેન્દ્રસિંહ માનસિંહ જાડેજા દ્વારા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં પંચેશ્ર્વર ટાવર પાસે રહેતા ટ્રસ્ટના એકાઉન્ટન્ટ આનંદ બાબુ પરમારની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૪) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ એમ.એચ. મહેતા તપાસ ચલાવી રહયા છે.