દેવભૂમિ દ્વારકા: રસોઈની કળાથી આત્મનિર્ભરતા સુધીની સફર: આદ્યશક્તિ સખી મંડળની મહિલાઓ બની આર્થિક પગભર
રસોઈની કળાએ અમને આગવી ઓળખ અપાવી - લાભાર્થી પુરીબેન મુંધવા
વર્ષ ૨૦૧૦થી કાર્યરત આદ્યશક્તિ સખી મંડળની ૧૦ બહેનો મહિને રૂ.૧૦ હજાર સુધી આવક મેળવી રહી છે
"આર્થિક રીતે પગભર થવાનું સ્વપ્ન સેવી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ચાની કેન્ટીન શરૂ કરી હતી. રસોઈની કળાએ અમને અલગ ઓળખ આપી" આ શબ્દો છે પુરીબેન મુંધવાના.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની આર્થિક ભાગીદારી વધુ સશક્ત થાય તેમજ મહિલાઓ આત્મનિર્ભર બની અન્યોને પણ આત્મનિર્ભર બનવા પ્રેરિત કરે તેવા ઉમદા હેતુથી અનેકવિધ કલ્યાણકારી યોજના અમલમાં મૂકી છે. જે ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી સરકાર સતત પ્રયત્નશીલ છે. જામ ખંભાળિયાના આદ્યશક્તિ સખી મંડળના મહિલાઓએ આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા માટેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આદ્યશક્તિ સખી મંડળના પુરીબેન મુંધવા જણાવે છે કે, વર્ષ ૨૦૧૦માં અમે આદ્યશક્તિ સખી મંડળની શરૂઆત કરી હતી. અને વર્ષ ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો ત્યાર બાદથી અમે જિલ્લા પંચાયત ખાતે કેન્ટીન ચલાવીએ છીએ. શરૂઆતના ત્રણ વર્ષ અમે માત્ર ચા બનાવતા હતા. જ્યારે અમે કેન્ટીનમાં ચા બનાવવાની શરૂઆત કરી ત્યારે અમારે રોજના એક લીટર જેટલા દૂધનો ઉપયોગ થતો હતો. હાલમાં અમારે રોજનું ૨૫ લીટર જેટલું દૂધ ચા બનાવવા માટે વપરાય છે. માત્ર ચા બનાવવાથી ખાસ એવી કમાણી થતી નહોતી. ચા બનાવવાની સાથે સાથે ક્યારેક કોઈક અધિકારી કહે તો તેમનું જમવાનું પણ બનાવતા હતા.અને અમે આ જ રસોઈની કળાને અમારી આર્થિક શક્તિ બનાવવાનું નક્કી કર્યું. હાલમાં અમારી કેન્ટીનમાં રોજના ૫૦ થી ૬૦ જેટલા લોકો જમે છે જેનાથી દરરોજની રૂ.૦૫ થી ૦૬ હજાર રૂપિયાની આવક થાય છે. અમારા મંડળમાં ૧૦ બહેનો છે અને તમામ બહેનોને મહિને રૂપિયા ૧૦ હજારની કમાણી થાય છે.
વધુમાં જણાવ્યું કે, હાલમાં અનેક વિભાગો દ્વારા તાલીમ દરમિયાન જમવાનું પણ રાખવાનું હોય તો તેમનો ઓર્ડર અમને આપવામાં આવે છે.
મંડળ વિશે જણાવ્યું કે, પહેલા મંડળ એ માત્ર બચત કરવાનું માધ્યમ હતું જ્યારે આજે આ મંડળ અમારી આવકનો મુખ્ય સ્ત્રોત બન્યું છે અમે રૂ. ત્રણ લાખની સીસી લોન પણ મેળવી હતી.
પહેલા અમારી આર્થિક સ્થિતિ ખાસ સારી નહોતી પરંતુ હવે મને ગર્વ છે કે આજે મારી ગણના લખપતિ દીદીમાં થાય છે. દરેક મહિલાઓને હું કહીશ કે, સરકારની યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બનવું જોઈએ. સરકાર દ્વારા મહિલાઓને પગભર કરવા અને સાચા અર્થમાં ગૃહલક્ષ્મી બનીને પરિવારને ટેકો આપી શકે તેવી યોજનાઓ બનાવવામાં આવી છે તે માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.