BREAKING NEWS

જામનગર: ઢાંઢર નદી તટે બિરાજતાં સ્વયંભૂ ભોળીયા ભોળેશ્ર્વર

  • August 26, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ઢાંઢર નદી તટે બિરાજતાં સ્વયંભૂ ભોળીયા ભોળેશ્ર્વર

આસ્થા,પ્રકૃતિ અને પૌરાણિક શ્રધ્ધાનું પાવનધામ

જામનગર જિલ્લાના પૌરાણિક સ્વયંભૂ મહાદેવ પૈકીના એક ઢાઢંર નદી તટે બિરાજતાં સ્વયંભૂ ભોળીયા ભોળેશ્વર મહાદેવ લાલપુર તેમ જ સમગ્ર જિલ્લાના શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે.

લાલપુર તાલુકામાં ઢાઢંર નદીના કિનારે આવેલું ભોળેશ્વર મહાદેવનું પવિત્ર મંદિર નદીકાંઠાનું શાંત અને કુદરતી વાતાવરણ મંદિરની આધ્યાત્મિકતામાં વધુ વધારો કરે છે. શ્રાવણ માસ, સોમવાર તથા મહાશિવરાત્રી જેવા પર્વો દરમિયાન અહીં ભક્તો ભોળાનાથના આર્શીવાદ પ્રાપ્ત કરવા ઉમટી પડે છે.

જામનગર શહેરથી ૩૦ કિલોમીટર દૂર લાલપુર તાલુકાના ગજણા ગામે આવેલું આ પ્રાચીન શિવમંદિર ૪૫૩ વર્ષ પૂર્વે સ્થપાયું હોવાનું મનાય છે, અને તેની સાથે અનેક ચમત્કારિક લોકવાયકાઓ જોડાયેલી છે. ભોળેશ્વર મહાદેવનું મંદિર તેના પ્રાકૃતિક સૌંદર્યને કારણે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લાલપુર તાલુકાના મુરીલા ગામેથી જવાના રસ્તે, લાલપુરની બાજુમાં આવેલું આ મંદિર રમણીય વાતાવરણ શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિની સાથે કુદરતી સૌંદર્યનો પણ અનુભવ કરાવે છે.ભોળેશ્વર મહાદેવનું મંદિર માત્ર જામનગર જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. અહીં બારે માસ ભક્તોની ભીડ રહે છે, પરંતુ ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન તો માનવ મહેરામણ ઉમટી પડે છે, જે આ મંદિર પ્રત્યેની અપાર શ્રદ્ધાનું પ્રતિક છે.

શિવલિંગનો અનોખો ઇતિહાસ અને મહિમા ભોળેશ્વર મહાદેવ મંદિરની સૌથી વિશિષ્ટતા એ છે કે અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે અને લોકમાન્યતા અનુસાર, તેના કદમાં દર વર્ષે વધારો થતો જોવા મળે છે. સવંત ૧૬૪૫માં આ શિવલિંગની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે. એક પ્રચલિત કથા અનુસાર, ગજણા ગામનો એક ગોવાળ તેની ગાયો ચરાવવા અહીં આવતો હતો. એક સુથારની ગાય દરરોજ સાંજે ધણથી અલગ પડીને એક રાફડા પર પોતાના આંચળનું દૂધ વરસાવતી હતી. આ વાતથી ચિંતિત ગોવાળના સ્વપ્નમાં ભગવાન શંકર આવ્યા અને જણાવ્યું કે જ્યાં ગાય દૂધ વરસાવે છે ત્યાં ખોદકામ કરવાથી શિવલિંગ મળશે.

જમીનમાં ખોદકામ કરતા શિવલિંગ પ્રગટ થયું ત્યારે લોકોએ તેને ગામમાં લઈ જવાનો વિચાર કર્યો, પરંતુ શિવલિંગે કહ્યું કે તેને આ જ સ્થળે રહેવું છે. તે સમયે ગાયે ફરીથી અભિષેક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને રોકવામાં આવતા ગાયે ક્રોધમાં તેના પગની ખરી વડે શિવલિંગ પર પ્રહાર કર્યો.આ પ્રહારથી શિવલિંગમાં ત્રિશૂળ વાગ્યાના નિશાન પડ્યા અને તેમાંથી લોહી પણ વહેવા માંડ્યું. ત્યારથી આ સ્થળની પવિત્રતા વધુ વધી અને અહીં પગપાળા ચાલીને દર્શન કરવાનો અનેરો મહિમા પ્રચલિત બન્યો.

ભોળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન શિવને ભોળાનાથના સ્વરૂપે પૂજવામાં આવે છે. શિવભક્તો માટે ભગવાન શિવ માત્ર દેવતા નહીં પરંતુ જીવનના કલ્યાણ, શાંતિ અને આધ્યાત્મિક શક્તિના પ્રતીક છે. મંદિરે આવતા ભક્તો શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે. ભોળેશ્વર મહાદેવ મંદિરની વિશેષતા તેનું નદીકાંઠાનું સ્થાન છે. વહેતી નદી, આસપાસની હરિયાળી અને કુદરતી શાંતિ ભક્તોને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં નદીકાંઠાનો નયનરમ્ય માહોલ મંદિરની સુંદરતામાં વધારો કરે છે.

શ્રાવણ માસ દરમિયાન ભોળેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના થાય છે. વહેલી સવારથી ભક્તો ભગવાન શિવના દર્શન માટે પહોંચે છે. ૐ નમ: શિવાયના જાપ સાથે અભિષેક, બિલ્વપત્ર અર્પણ અને આરતી કરવામાં આવે છે. સોમવારના દિવસે પણ ભક્તોની વિશેષ ભીડ રહે છે.

ભોળેશ્વર મહાદેવ માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ આસપાસના ગામડાંના લોકોની ધાર્મિક અને સામાજિક આસ્થાનું કેન્દ્ર પણ છે. અનેક પરિવારો માટે અહીં દર્શન કરવું પરંપરાનો ભાગ છે. નદીકાંઠે આવેલું આ શિવધામ સ્થાનિક ધાર્મિક વારસાની ઓળખ સમાન બની રહ્યું છે. ભગવાન શિવના ભોળા સ્વભાવને કારણે જ ભોળેશ્વર નામ ભક્તોના મનમાં વિશેષ ભાવ જગાવે છે. શ્રદ્ધાળુઓ મહાદેવ સમક્ષ પોતાની મનોકામનાઓ વ્યક્ત કરી આશીર્વાદ મેળવે છે અને માન્યતા મુજબ પૂજા-અર્ચના બાદ માનસિક શાંતિનો અનુભવ કરે છે.

ભોળેશ્વર મહાદેવ ધામ નદીકાંઠાની કુદરતી સુંદરતા અને શિવભક્તિનું સુંદર સંયોજન છે. મહાદેવના દર્શન સાથે અહીં મળતી શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ ભક્તોને વારંવાર આ ધામ તરફ આકર્ષે છે.ૐ નમ: શિવાયના પવિત્ર નાદ સાથે ભોળેશ્વર મહાદેવનું આ ધામ આજેય લોકઆસ્થાને જીવંત રાખી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application