ગુજરાતના ધોરીમાર્ગો જાણે રક્તરંજિત બન્યા હોય તેમ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. આસ્થાના માર્ગે નીકળેલા શ્રદ્ધાળુઓ માટે મોડીરાત કાળમુખી સાબિત થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકે નિર્દોષ પદયાત્રીઓના સંઘને કચડી નાખતા સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ તમામ મૃતકો રાજકોટના ગઢકા ગામના હતા. આથી નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
આ દુર્ઘટનામાં ભોગ બનનારા તમામ કમનસીબ મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા કમનસીબ લોકોમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ સાત સભ્યોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. એક જ પરિવારના સાત સભ્યોના મોતથી મુંધવા પરિવાર પર આભ ફાટ્યું છે.
મળતી વિગતો અનુસાર, આ ગોઝારી ઘટના લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં ઘટી હતી. રાજકોટથી મેરા ગામ જઈ રહેલા ભરવાડ સમાજના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા યાત્રા કરી રહ્યો હતો. આ પદયાત્રીઓ પોતાની અતૂટ આસ્થાના પ્રતીક સમાન રાજકોટના ગઢકા ગામે સ્થિત મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. જ્યારે આ સંઘ લખતર-વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ભાસ્કરપરા ગામની વચ્ચે પહોંચ્યો, ત્યારે પાછળથી કાળ બનીને આવતા એક બેફામ ટ્રક ચાલકે પદયાત્રીઓને કચડી નાખ્યા હતા.
ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ ગેડીયા મહંત સહિત ભરવાડ સમાજના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સમગ્ર માલધારી સમાજમાં આ ઘટનાને પગલે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પાવડાથી મૃતદેહો એકત્ર કરવા પડ્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત એટલો ભીષણ હતો કે તેની કલ્પના માત્રથી ધ્રુજારી છૂટી જાય. ટ્રક ચાલકે અંદાજે દસ જેટલા શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા, જેમાંથી સાત લોકોના શરીરના ટૂકડાઓ રસ્તા પર વિખરાઈ ગયા હતા. અકસ્માત એટલો કાળમુખો હતો કે માનવ દેહના અવશેષોને રસ્તા પરથી એકત્ર કરવા માટે સ્થાનિકો અને તંત્રએ પાવડાની મદદ લેવી પડી હતી. ચીસ અને આક્રંદ વચ્ચે હાઈવે લોહીલુહાણ બની ગયો હતો.
અંધારો લાભ ઉઠાવી ટ્રક ચાલક ફરાર
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. લખતર પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જેણે પદયાત્રીઓના સંઘને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
હાઈવે પરની સુરક્ષા સામે ગંભીર સવાલો
આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાત્રિના સમયે હાઈવે પર ભારે વાહનોની અનિયંત્રિત ગતિ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહી છે. ખાસ કરીને પદયાત્રીઓના સંઘો જ્યારે હાઈવે પરથી પસાર થતા હોય ત્યારે તેમની સુરક્ષા માટે કોઈ નક્કર વ્યવસ્થા કે પેટ્રોલિંગનો અભાવ હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. શ્રદ્ધાના પંથે નીકળેલા આ પદયાત્રીઓ ક્યારેય ઘરે પાછા નહીં ફરે તેવી કલ્પના પણ પરિવારે કરી નહોતી. ભીષણ અકસ્માતની આ ઘટનાએ માત્ર સુરેન્દ્રનગર જિલ્લાને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. તંત્ર દ્વારા હવે આવા અકસ્માતો અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
કાળનો કોળિયો બનનારા મૃતકોના નામ
1) મસાભાઈ કરશનભાઇ મુંધવા (ભરવાડ) રહે - ખારસીયા (રાજકોટ ) ઉંમર વર્ષ - 59
2) જાલુબેન મસાભાઈ કરશનભાઇ મુંધવા (ભરવાડ) રહે - ખારસીયા (રાજકોટ ) ઉંમર વર્ષ - 57
3) રાણીબેન મંગાભાઇ લોબરીયા ( રહે- રાજકોટ RTO પાસે ) ઉંમર વર્ષ - 45
4) જાલુબેન વેલાભાઈ મુંધવા (ભરવાડ) રહે - ડુંગરપુર (રાજકોટ) ઉંમર વર્ષ - 45
5) વિજુબેન પ્રવીણભાઈ મુંધવા (ભરવાડ) રહે - સતરગામ, તા - ટંકારા (મોરબી) ઉંમર વર્ષ -45
6) વજીબેન વિભાભાઈ મુંધવા (ભરવાડ) રહે - સતરગામ, તા - ટંકારા (મોરબી) ઉંમર વર્ષ -52
7) જયદીપભાઈ હરદીપભાઇ સાપરા ( ગામ શીયાણી તાલુકો- લીંબડી, જિલ્લો- સુરેન્દ્રનગર )