દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં ૮૫૫ શિક્ષકોની ઘટ: ‘આપ’નો આક્ષેપ
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ઈમ્તિયાઝ ગજણે સરકાર પર કર્યા આકરા પ્રહાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ હોવાના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ઈમ્તિયાઝ ગજણે રાજ્ય સરકારની શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઈમ્તિયાઝ ગજણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૮૫૫ જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાના આંકડા સામે આવ્યા છે, જે માત્ર ખાલી જગ્યાઓનો આંકડો નથી પરંતુ જિલ્લાના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત ગંભીર પ્રશ્ન છે.
તેમણે રાજ્ય સરકારની નીતિઓની ટીકા કરતાં આક્ષેપ કર્યો હતો કે, સરકાર એક તરફ શિક્ષણમાં ક્રાંતિ લાવવાના મોટા દાવાઓ કરે છે અને તેના નામે કરોડો રૂપિયાની જાહેરાતો તથા કાર્યક્રમોનું આયોજન કરે છે, પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આજે પણ ગ્રામીણ વિસ્તારની અનેક શાળાઓ શિક્ષકોની અછતનો સામનો કરી રહી છે. જ્યારે શાળાઓમાં પૂરતા અને લાયકાત ધરાવતા શિક્ષકો જ ઉપલબ્ધ ન હોય, ત્યારે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળી શકે તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.
ગ્રામીણ અને શહેરી શિક્ષણ વ્યવસ્થા વચ્ચેની અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરતાં નેતાએ જણાવ્યું હતું કે, મંત્રીઓના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે, જ્યારે ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકો શિક્ષકો વિના ભણવા મજબૂર બન્યા છે. શું ગામડાના બાળકોને સારું શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? અને શું સારી સુવિધાઓ માત્ર મોટા શહેરો પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ...? જો શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભણતર બગડતું હોય, તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઈમ્તિયાઝ ગજણે સરકાર સમક્ષ માંગણી કરી છે કે, જો સરકાર ખરેખર શિક્ષણ પ્રત્યે ગંભીર હોય તો માત્ર જાહેરાતો કરવાને બદલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓની સત્તાવાર સ્થિતિ જાહેર કરે અને તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવા માટે એક નક્કર સમયમર્યાદા નક્કી કરે.વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દો કોઈ રાજકીય પક્ષનો નહીં પરંતુ રાજ્યના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો છે, કારણ કે શિક્ષણ એ સરકારની મહેરબાની નહીં પરંતુ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. સરકારને મંચ પરના વચનો અને જાહેરાતો બંધ કરીને વર્ગખંડમાં શિક્ષકો પૂરા પાડવા જોઈએ તેવી માંગ સાથે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકોની નિમણૂક નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ મુદ્દે અવાજ ઉઠાવતી રહેશે અને સરકારને જવાબદાર ઠેરવતી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application