જામનગરમાં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સંચાલકને ૨૯.૪૧ લાખની પાવરચોરીના કેસમાં દંડ
સરકારી વકીલની દલીલો ગ્રાહય રાખતી સ્પે. કોર્ટ
જામનગરમાં સવા બે વર્ષ પહેલા સોડા બનાવતી ફેક્ટરીમાં વીજ અધિકારી ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન રૂપિયા ૯,૮૦,૬૬૦ ની રકમ ની પાવર ચોરી ઝડપાઈ હતી. આ અંગે નોંધાયેલ ફરિયાદ ના અનુસંધાને અદાલતે ફેક્ટરી સંચાલક ને ત્રણ ગણી રકમનો દંડ ફટકાર્યો છે અને દંડ ની રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો એક વર્ષ ની જેલ સજા નો આદેશ કર્યો છે.
આ કેસ ની હકીકત એવા પ્રકારની છે કે , ગત તા. ૨૮/૧૨/૨૦૨૩ ના રોજ વીજ ચેકીંગ અધિકારી વી. બી. બેલીમ અને તેના સ્ટાફ ધ્વારા નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતાં કસાઈ કબ્રસ્તાન પાસેના વિસ્તાર માં કિંગ બેવરેજીસ સોડા બનાવનાર સમદ અસલમ ડાકોરા ની હાજરી માં વીજકનેકશન ચેક કરવામાં આવ્યું હતું.જેમાં કરતા તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં હોવા નું જણાયું હતું. જેથી ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર ૪ તૈયાર કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી ફરીયાદી પ્રતિકસિંહ અશોકસિંહ જાડેજા કે જેઓ નગરસીમ સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ આ કામના આરોપી સમદ અસલમ ડાકોરા વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં રૂા. ૯,૮૦,૬૬૦ ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ - ૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરાવી હતી.
આ અંગે સ્પે. કોર્ટ માં કેસ ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ-૫ સાક્ષી અને ૨૧ - દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકાર તરફે સરકારી વકીલ હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે. અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ.
સરકારી વકીલ ની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલ ધ્વારા આરોપી સમદ અસલમ ડાકોરા ને રૂા. ૨૯,૪૧,૯૮૦ એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે. અને જો આરોપી ધ્વારા ૩૦ દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષ ની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.