ભારત વર્ષમાં ક્ષત્રિયોનો રાષ્ટ્રીય પ્રેમ, ધર્મ પ્રેમ, સંસ્કૃતિ પ્રેમ, પ્રજા વાત્સલ્ય અને રાજધર્મની સુવર્ણ ગાથા સોનેરી અક્ષરે વિદ્યમાન છે ત્યારે વિર ગતી શૌર્યવાન હુતાત્મા લાલપુર તાલુકાના ગોવાણાના પૂ.ભાણજીબાપુ દલ જાડેજાએ યુઘ્ધમાં અપ્રિતમ શૌર્ય દાખવીને વિર ગતી પામેલ, તેમની પ્રતિમાની અનાવરણ વિધીનો કાર્યક્રમ આગામી તા.૧૨ને રવિવારે સવારે ૯:૩૦ વાગ્યે લાલપુર ખાતે યોજાશે, એ પહેલા ૭ વાગ્યે યજ્ઞ, ૮ વાગ્યે સરદાર પટેલથી એક વિશિષ્ટ શોભાયાત્રા નિકળશે જે ગર્લ્સ હાઇસ્કુલ રેસ્ટહાઉસ સામે પૂર્ણ થશે અને ત્યારબાદ ચિંતન શિબીરનું આયોજન કરાયું છે જેમાં ૩ હજારથી વધુ લોકો હાજર રહેશે. કાર્યક્રમમાં મહંત પીર યોગી શેરનાથજીબાપુ, પૂ.આચાર્ય ધર્મબંધુ મહારાજ, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને યુપીના રાજયમંત્રી ઠાકુરદિનેશ પ્રતાપસિંહજી સહિતના અનેક મહાનુભાવો હાજર રહેશે તેમ ગઇકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં જણાવાયું હતું.
આ પરીષદમાં જણાવાયું હતું કે, જામસાહેબના સૈન્યમાં મહત્વપૂર્ણ આગેવાની લઇને પૂ.ભાણજીબાપુ દલ જાડેજાએ જુનાગઢની લડાઇ અને તમાચણની લડાઇ એમ બે વખત અકબરના સૈન્યને કારમી હાર આપી હતી તેમજ ભુચરમોરીના યુઘ્ધમાં અકબરના સૈન્યને પીછેહટ કરાવી હતી, આ યુઘ્ધમાં જામસતાજીના સૈન્યની મદદમાં આવેલા જુનાગઢના નવાબે અને ખરેડીના લોમા ખુમાણે દગો દેતા અકબરના સૈન્યમાં ભળી જઇ પાછળથી વાર કરતા પૂ.ભાણજીબાપુ વિરગતીને પામેલ, તેમની ઉંચા કદની પ્રતિમા લાલપુર ખાતે મુકવામાં આવશે.
આજના યુવાનોને પ્રેરણા મળે અને હવે શસ્ત્ર કરતા કલમનો ઉપયોગ વધુ કરવા, વડીલો પ્રત્યે આદર, માન અને સન્માનની ભાવના કેળવવા, સહનસીલતાની ભાવના કેળવવી, સામાજીક, શૈક્ષણિક સ્થળે સમાજ ઉંચો આવે તે માટે આધુનિક શિક્ષણ આપવું, જિલ્લા મથકે અત્યાધુનિક સંકુલો બનાવવા, રૂઢીગત માન્યતા અને ખોટી પરંપરા તેમજ કુરીવાજો દુર કરી લોકોમાં જાગૃતિ લાવવા, યોગ અને પ્રાણાયમ શિબિરનું આયોજન કરવા, બાળકો વધુ પડતો સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરે છે તે રોકવા સહિતના વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે.
પૂ.ભાણજીબાપુએ ૧૬૩૩નું જુનાગઢનું યુઘ્ધ, ૧૬૪૦નું તમાચણનું યુઘ્ધ, ૧૬૪૮નું ભુચરમોરીના યુઘ્ધમાં ભાગ લઇને શૌર્ય દાખવ્યું હતું, તેમની યાદી જળવાઇ રહે તે માટે લાલપુર ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવતાં એ જગ્યાએ તેમની પ્રતિમાની અનાવરણ વિધી કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ સુવર્ણ ભુતકાળથી ઉજવળ ભવિષ્ય તરફ એ શિર્ષક હેઠળ વિર સાવરકર હાઇસ્કુલ મેદાન લાલપુર ખાતે ચિંતન શિબિર યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં પૂ.મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ધારાસભ્ય દિનેશસિંગ કુશવાહ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, રિઘ્ધીબા જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા, ગોવુભા જાડેજા (ડાડા), પી.ટી.જાડેજા, તૃપ્તીબા રાઓલ, એકતાબા સોઢા, વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા, સી.આર.જાડેજા, નયનાબા જાડેજા, વિજયસિંહ જેઠવા, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, પ્રવિણસિંહ ઝાલા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. પત્રકાર પરીષદમાં ગોવુભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા (સેવકધુણીયા), પ્રવિણસિંહ જાડેજા (રાજપૂત શકિત), રણજીતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, પી.એમ.જાડેજા, મહીપતસિંહ જાડેજા, પી.આર.જાડેજા હાજર રહ્યા હતાં જયારે પ્રવિણસિંહ જાડેજાએ સંચાલન કર્યુ હતું.