ખંભાળિયા તાલુકામાં ૨૮૦ એકર સરકારી વિડીની જમીનનો દસ્તાવેજ થતાં ખળભળાટ
ખંભાળિયા તાલુકામાં ૨૮૦ એકર સરકારી વિડીની જમીનનો દસ્તાવેજ થતાં ખળભળાટ
November 16, 2026 01:16 PM
ખંભાળિયા તાલુકામાં ૨૮૦ એકર સરકારી વિડીની જમીનનો દસ્તાવેજ થતાં ખળભળાટ
પૂર્વ આયોજિત રીતે ચોકઠાં બેસાડીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચા
ખંભાળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ૨૮૦ એકર એટલે કે અંદાજે ૭૦૦ વીઘા જેટલી વિશાળ સરકારી વિડીની જમીનનો દસ્તાવેજ થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સામાન્ય સંજોગોમાં ઘાસચારા અને પશુધન માટે અનામત ગણાતી સરકારી વિડીની આટલી મોટી જમીનનો દસ્તાવેજ કઈ રીતે અને કયા નિયમો હેઠળ થયો, તેને લઈને મહેસૂલી વર્તુળો અને સ્થાનિક જાણકારોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર જમીન પ્રકરણમાં પૂર્વ આયોજિત રીતે ચોકઠાં બેસાડીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પ્રબળ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ ચર્ચાસ્પદ પ્રકરણમાં પડદા પાછળની ભૂમિકા અંગે પણ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ, આ ૨૮૦ એકર જમીનનો દસ્તાવેજ કરાવવા માટે ખંભાળિયાના જ એક તબીબે પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી ભલામણો કરી હોવાની વાત બહાર આવી છે. સરકારી તંત્રમાં ઉચ્ચ સ્તરે કરવામાં આવેલી આ ભલામણો અને ગોઠવણોને કારણે જ આટલું મોટું પ્રકરણ પાર પડ્યું હોવાનું જાણકારો માની રહ્યા છે.
બીજી તરફ, આ ઘટનાને લઈને સામાન્ય નાગરિકો અને ખેડૂતોમાં પણ ભારે રોષ અને કચવાટ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે જ્યારે સામાન્ય જનતાને રોજગારી કે ખેતી માટે બે એકર જમીન પણ સરકારી નિયમોની આંટીઘૂંટીના કારણે ફાળવવામાં આવતી નથી, ત્યારે અહીં એકસાથે ૭૦૦ વીઘા જેટલી કિંમતી સરકારી વિડીની જમીન ફાળવીને તેનો દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો છે. હાલ તો સમગ્ર ખંભાળિયા તાલુકામાં આ જમીન કૌભાંડની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે અને આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.