વરસાદી સિઝન પુરી થવાની આરે છે, પરંતુ ગુજરાત ઉપર ફરીથી વાવાઝોડુ મંડરાયું હોવાના સમાચાર આવી રહ્યા છે, દરીયાકાંઠાના વિસ્તારમાં ૭૦ થી ૭૫ કિ.મી.ની ઝડપે આવતીકાલે પવન ફુંકાય તેવી આગાહી કરવામાં આવી છે, ત્યારે આ વાવાઝોડુ દ્વારકાથી ૪૨૦ કિ.મી. દુર હોવાનું ક્ધટ્રોલ રૂમનું કહેવું છે, ઉત્તર પુર્વીય અરબી સમદ્ર પર ચક્રાવાતી તોફાન શકિત છેલ્લા છ કલાકથી પશ્ર્ચિમથી ૧૩ કિ.મી. દુર આગળ વધી રહ્યું છે અને તા.૪ ઓકટો.થી દ્વારકાથી લગભગ ૪૨૦ કિ.મી., પશ્ર્ચિમ નલીયાથી ૪૨૦ કિ.મી. અને પોરબંદરથી ૪૮૦ કિ.મી. દુર ચક્રાવાત ધીરે-ધીરે વધી રહ્યું છે, આ વાવાઝોડુ ધીરે-ધીર ઉત્તર પશ્ર્ચિમ અને અરબ સાગર સુધી પહોંચવાની સંભાવના છે, ત્યારબાદ ધીમે-ધીમે આગળ વધશે, પરંતુ હાલની સંભાવના જોતા આ વાવાઝોડુ કમજોર પડી જશે. જો કે વાવાઝોડાની બહુ કોઇ ખાસ અસર થશે નહીં તેમ લાગે છે, પરંતુ દ્વારકાના દરીયામાં ભારે કરંટ રહેશે, ગઇકાલે દ્વારકામાં દિવસ દરમ્યાન દોઢ ઇંચ વરસાદ પડતાં રાજમાર્ગો ભીના થઇ ગયા હતાં અને બહારગામથી આવેલા યાત્રાળુઓ પલળી ગયા હતાં.
દ્વારકાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે દિવસ દરમ્યાન અવારનવાર ભારે જોરદાર ઝાપટા આવતા દિવસના અંતે ૩૮ મીમી વરસાદ નોંધાયો હતો જયારે દ્વારકા પંથકના વરવાળા અને ટુપણીમાં પણ અડધો-અડધો ઇંચ વરસાદ પડયો હતો, આ ઉપરાંત જોડીયામાં ૬ અને ધ્રોલમાં ૪ મીમી વરસાદ પડયો છે.
કાલાવડ તાલુકાના મોટી બાણુગાર, ખરેડી અને નવાગામમાં ગઇકાલે દિવસ દરમ્યાન અડધો-અડધો ઇંચ વરસાદ પડયો હતો, ત્યારે ઠેર-ઠેર કાદવ-કીચડ થઇ ગયા હતાં, આ ઉપરાંત અલીયાબાડા ૪ મીમી, હડીયાણા ૨, પીઠડ ૪ અને પીપરટોડામાં ૭ મીમી વરસાદ પડયો હતો જયારે જામનગરમાં રાબેતા મુજબ ઝાપટુ પડયું હતું.
સૌરાષ્ટ્રના દરીયાકાંઠે વાવાઝોડાની શકયતા છે, જો કે ૭૦ થી ૭૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય તેવી હવામાન ખાતાએ આગાહી પણ કરી છે. અત્યાર સુધીમાં એટલે કે આજે સવારે ૬ વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ દ્વારકા ૯૮૬ મીમી, ખંભાળીયા ૬૪૬, કલ્યાણપુર ૧૨૨૦ અને ભાણવડમાં કુલ વરસાદ ૧૨૪૨ મીમી થયો છે. બીજી તરફ જામનગર જિલ્લામાં જામનગર શહેરમાં ૬૫૨ મીમી, જોડીયા ૯૯૨, ધ્રોલ ૫૨૨, કાલાવડ ૭૦૫, લાલપુર ૫૮૭ અને જામજોધપુરમાં ૮૪૦ મીમી વરસાદ થયો છે. સારા વરસાદને કારણે પાછલા વાવેતરને સારો ફાયદો થશે. એટલે કે આ વખતે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં કપાસ અને મગફળીના પાકને જોરદાર ફાયદો થવાનો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૨.૨ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૪.૫ ડીગ્રી, હવામાં ભેજ ૮૯ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. કેટલાક ગામડાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે તો કેટલાક ગામડાઓમાં જોઇએ તેટલો વરસાદ થયો નથી. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે.
હાલારના બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ
આગામી ત્રણ દિવસમાં ગમે ત્યારે વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતા હોય, ભારે પવન પણ ફુંકાશે ત્યારે ઓખા, વાડીનાર, બેડી સહિતના બંદરોએ સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.