BREAKING NEWS

ખંભાળિયામાં કૂવામાંથી શ્ર્વાન અને બોમ્બઈ સાપનું સફળ રેસ્ક્યુ

  • June 12, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં કૂવામાંથી શ્ર્વાન અને બોમ્બઈ સાપનું સફળ રેસ્ક્યુ

એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બન્ને જીવોને કુદરતના ખોળે છોડાયા

ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના ૭૦ ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન પડી ગયો હોવાની જાણ સ્થાનિકો દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જાણ થતાં જ સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

આ સ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે કૂવો આશરે ૭૦ ફૂટ જેટલો ઊંડો હતો, જેના કારણે રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની હતી. કૂવામાં શ્વાનની સાથે બોમ્બઈ પ્રજાતિનો એક સાપ પણ ફસાયેલો જોવા મળ્યો હતો. એક તરફ શ્ર્વાન ડર અને થાકના કારણે નબળો પડી ગયો હતો, તો બીજી તરફ સાપ પણ બહાર નીકળવા માટે સતત પ્રયત્ન કરી રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંસ્થાના અનુભવી રેસ્ક્યુઅર અશ્વિન કરમુર દોરી અને જરૂરી સલામતી સાધનો સાથે કૂવામાં ઉતર્યા હતા. કૂવામાં ઓક્સિજનની ઓછી માત્રા, ઊંડાઈ અને જીવજંતુઓના જોખમ વચ્ચે તેમણે ભારે જહેમત ઉઠાવી હતી. લાંબા સમય સુધી ચાલેલી રેસ્ક્યુ કામગીરી દરમિયાન સૌપ્રથમ શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ બોમ્બઈ પ્રજાતિના સાપને પણ સાવચેતીપૂર્વક પકડીને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ બંને જીવોને બહાર કાઢ્યા બાદ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સદનસીબે બંને જીવ સુરક્ષિત અને સ્વસ્થ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ શ્ર્વાનને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો જ્યારે સાપને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવ્યો હતો.

આ સમગ્ર રેસ્ક્યુ કામગીરીમાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સુનિલ ઘાવડા, દેશુર ધમા અને અશ્વિન કરમૂરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની તત્પરતા, બહાદુરી અને જીવદયા પ્રત્યેની લાગણીના કારણે બે નિર્દોષ જીવનો જીવ બચી શક્યો હતો.
​​​​​​​
એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત વન્યજીવો, પક્ષીઓ અને અન્ય મૂંગા પશુઓના બચાવ માટે કરવામાં આવતી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ ખૂબ પ્રશંસા મળી રહી છે. ઠાકર શેરડી વાડી વિસ્તારમાં થયેલા આ સફળ રેસ્ક્યુને લઈને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને સંસ્થાની ટીમના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. જીવદયા એ જ સાચી સેવાના સંદેશ સાથે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટે ફરી એકવાર બે જીવને નવું જીવન આપીને માનવતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application