કાલાવડના ખડ ધોરાજી ગામે ૧૯૬૨ ની ટીમે જટિલ રૂમેનોટોમી સર્જરી કરી ભેંસને નવજીવન આપ્યું
પશુચિકિત્સકોએ ૩ કલાકની જહેમત બાદ ભેંસના શરીરમાંથી લોખંડ અને પથ્થરના ટુકડા બહાર કાઢ્યા
ગુજરાત સરકાર અને EMRI Green Health Servicesના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ હરતું-ફરતું પશુ દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં કાલાવડ તાલુકાના આણંદપર લોકેશનની ૧૯૬૨ની ટીમ દ્વારા એક ભેંસ પર અત્યંત જટિલ ગણાતી ‘રૂમેનોટોમિ’ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી પશુના શરીરમાંથી લોખંડ તથા પથ્થરના ટુકડા કાઢી તેને નવજીવન આપવામાં આવ્યું છે.
કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામના પશુપાલક શ્રી લાલાભાઈએ તેમની ભેંસ ખોરાક ન લેતી હોવાની અને શારીરિક રીતે નબળી પડતી હોવાની જાણ ૧૯૬૨ની ટીમને કરી હતી. આ માહિતી મળતાની સાથે જ પશુચિકિત્સક ડૉ. નરેશ વણકર અને પાઇલટ-કમ-ડ્રેસર હુસેનભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસમાં પશુના શરીરમાં લોખંડ જેવી બાહ્ય વસ્તુઓ હોવાનું નિદાન કર્યું હતું.
પશુપાલકની સંમતિ મેળવ્યા બાદ, તબીબી ટીમ દ્વારા ખેતરે જ અદ્યતન સાધનોની મદદથી લગભગ ત્રણ કલાક સુધી જટિલ સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ભેંસના શરીરમાંથી લોખંડ અને પથ્થર જેવી ઘાતક વસ્તુઓ નીકળી હતી. જે દૂર થતાં પશુને નવજીવન મળ્યું હતું.આ સમગ્ર સારવાર સરકારની યોજના હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે પશુપાલકના ઘરે જ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રશંસનીય કામગીરી બદલ જામનગર જિલ્લા કોઓર્ડિનેટર પિયુષભાઈ પરમાર અને પ્રોગ્રામ મેનેજર ડૉ. મહંમદ શોયબ ખાન દ્વારા આનંદપર ટીમની નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામિણ વિસ્તારોમાં સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ૧૯૬૨ સેવા અને જામનગર શહેરમાં સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેનો મહત્તમ લાભ લેવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.