જામનગરના રાજયભરમાં ચકચારી બનેલા જેસીસી હાર્ટ ઇન્ટસ્ટીટયુટ અને હોસ્૫ીટલના પીએમજેએવાયના કૌંભાડ એટલે કે મીની ખ્યાતિકાંડમાં રાજયના આરોગ્ય વિભાગે અપડેટ આવશે તેમ જણાવશું તેવો ઉડાઉ જવાબ આપતા ભારે આશ્ર્ચર્યની સાથે વધુ એક વખત લોકોમાં અનેક સવાલ ઉભા થયા છે. કારણ કે, ૫૩ દર્દીને હદયમાં બીનજરૂરી સ્ટેન્ટ મૂકયાનો ખુદ રાજયના આરોગ્ય વિભાગે ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે દર્દીઓની જીંદગી સાથે ખેલ કર્યાના પુરાવાના આધારે જ સ્ફોટક વિગતો જાહેર કરવામાં આવી હોય તે સ્વાભાવિક છે. આમ છતાં ફકત હોસ્પીટલ, તબીબને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી કૌંભાડ પર પડદો પાડી દેવામાં આવ્યો તે વાતને આડકતરૂ સમર્થન મળી રહ્યું છે તેમ લોકોમાં સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. આટલું જ નહીં, ૨૧ દીવસના વ્હાણા વીત્યા, પોલીસમાં અરજીઓના દૌર પછી પણ કોઇ કાર્યવાહીને બદલે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા અપડેટના ઇન્તેજારથી ન્યાયની આશા ધૂંધળી હોવાની ફરિયાદો દર્દીઓ અને તેના પરિજનોમાં ઉઠી છે.
જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં દર્દીઓને જરૂર ન હોવા છતાં ૫૩ દર્દીઓને કાર્ડીયાર સર્જરી કરી સ્ટેન્ટ બેસાડી હદ્યની સારવાર અને ૧૦૫ કેસમાં ગેરરીતી કરી પીએમજેએવાય યોજનામાં કૌંભાડ આચરવામાં આવ્યાના ખુદ રાજયના આરોગ્ય વિભાગના ઘટસ્ફોટ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા અને સ્ફોટક હકીકતો ખૂલી છે. જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટે અત્યાર સુધીમાં પીએમજેએવાય યોજના અંતર્ગત ૯૧૧ કલેઇમ કર્યા છે. જે પૈકી ૯૦૬ કલેઇમ પાસ થતાં રૂ.૭.૭૩ કરોડ ઇન્સ્ટીટયુટના ખાતામાં જમા થયા છે એટલે કે ખંખેરી લીધા છે. આટલું જ નહીં ૫૨ કેસમાં કેસ ઇમરજન્સી ન હોવા છતા અરજન્ટ દર્શાવી પ્રિ-ઓથોરાઇઝેશન મુકયાનું પણ તપાસમાં ખૂલી ચૂકયું છે. ત્યારે જામનગરના મીની ખ્યાતિકાંડમાં જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટના ડોે.પાર્શ્ર્વ વોરા અને હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી કુલ .૮,૬૯,૪૭૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આટલું જ નહીં આ ચકચારી કૌંભાડમાં હોસ્પિટલ દ્વારા ૨ દર્દીના લેબોરેટરીના અને અન્ય એક દર્દીનાં બીજા રિપોર્ટમાં છેડછાડ એટલે કે ચેડા કરી હોસ્પિટલ દ્વારા લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરિયાત હોવાનો ઘડાકો પણ થયો હતો. રાજયભરમાં ચકચાર જગાવનાર જામનગરના મીની ખ્યાતિકાંડનો ભોગ બનેલા ૩ દર્દીના પરિજનોએ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુુટ અને હોસ્પિટલ તથા તેના તબીબો સામે ગંભીર આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરી છે.
આ ચકચારી કૌંભાડ રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ગત તા.૧૩ નવેમ્બરના જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી ફકત જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલ તથા ડો.પાર્શ્ર્વ વોરાને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કર્યા સીવાય કોઇ ફોજદારી કાર્યવાહી કરાઇ નથી. આટલું જ નહીં ૧૩ નવેમ્બરના ઇન્સ્ટીટયુટ અને હોસ્પીટલના મેનેજમેન્ટે કરેલા ખુલાસામાં પણ તબીબ સામે ફોજદારી કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું. પરંતુ સસ્પેશન બાદ રાજયના આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી રાજયના આરોગ્ય મંત્રાલયનો આજકાલ દ્વારા સંપર્ક કરવામાં આવતા ત્યાં ફરજ પરના અધિકારીઓએ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટર અને હોસ્પીટલના ચકચારી પ્રકરણમાં અપડેટ આવશે એટલે જણાવશું તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના આ જવાબથી આ ચકચારી કૌંભાડમાં હવે કોઇ કાર્યવાહી થશે કે કેમ તેનું રહસ્ય વધુ એક વખત ઘેરૂ બન્યું છે. કારણ કે, ૫૩ દર્દીને હદયમાં બીનજરૂરી સ્ટેન્ટ મૂકી જીંદગી સાથે ખેલ કર્યાના પુરાવા હોવા છતાંં ફકત હોસ્પીટલ, તબીબને સસ્પેન્ડ કરી સંતોષ માની લેવામાં આવતા કૌંભાડ પર પડદો પાડી દેવાયાની લોકોમાં થઇ રહેલી ચોમેર ચર્ચાને આડકતરૂ સમર્થન મળી રહ્યું છે. બીજી બાજુ ખુદ રાજયના આરોગ્ય વિભાગે જાહેર કરેલા કૌંભાડને ૨૧ દીવસના વ્હાણા વીત્યા હોવા છતાં અને દર્દીઓના પરિજનો દ્ગારા પોલીસમાં અરજીઓના દૌર પછી પણ કોઇ કાર્યવાહીને બદલે આરોગ્ય વિભાગના અપડેટના ઇન્તેજારથી આ ચોંકાવનારા પ્રકરણમાં ન્યાયની આશા ધૂંધળીની દર્દીઓ અને પરિજનોમાં ફરિયાદો ઉઠી છે.