જામનગર મહાનગરપાલિકાને લોકમેળાના ટેન્ડરની હરાજીમાં રૂપિયા એક કરોડ 70 લાખની આવક થઈ
સૌરાષ્ટ્રના લોકમેળા અતિ પ્રખ્યાત છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી તેમજ જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. જેના પગલે મહાનગરપાલિકા દ્વારા વિવિધ રાઈડસ, રમકડા અને ખાણીપીણીના સ્ટોલ માટે પ્લોટ્સની ટેન્ડર અને હરાજી કરતાં આ વર્ષે પણ રૂપિયા એક કરોડ 70 લાખ જેવી અધધધ...આવક મહાનગરપાલિકાને થઈ છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોક મેળા યોજવામાં આવે છે અને આ વર્ષે પણ લોકમેળા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મશીન મનોરંજન, આઈસ્ક્રીમ, રમકડાં ખાણીપીણી ,હાથ ચકરડી સહિતના 43 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
જેમાં જામનગર મહાનગરપાલિકા ખાતે પાંચ દિવસ પૂર્વે 27 જેટલા પ્લોટની ઓફલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા એક કરોડની આવક થઈ અને જ્યારે એક જ ટેન્ડર અને અન્ય ટેકનિકલ કારણોસર મોકુફ રહેલા 16 પ્લોટની આજે જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં આશરે 70 લાખ જેટલી આવક થવા પામી હતી.આમ જામનગર મહાનગરપાલિકાને આ વર્ષે પ્રદર્શન ખાતેના લોકમેળા માટે કુલ રૂપિયા એક કરોડ 70 લાખ જેટલી માતબર આવક થવા પામી છે.
જ્યારે 43 માંથી 39 પ્લોટ માં જ મહાનગરપાલિકાને એક કરોડ 70 લાખની આવક થઈ છે અને હજુ ચાર જેટલા પ્લોટ છે કે જેમની હરાજીમાં કોઈપણ ટેન્ડર ધારક દ્વારા રસ દાખવવામાં ન આવતા હવે બાકી રહેતા ચાર પ્લોટ અંગે શું કાર્યવાહી કરવી તે અંગે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે. પરંતુ એ વાત તો ચોક્કસ છે કે દર વર્ષે મહાનગરપાલિકાની તિજોરીમાં લોકમેળાની હરાજી અને ટેન્ડરની પ્રક્રિયાથી આ વખતે પણ આર્થિક રિતે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.