BREAKING NEWS

શાહીના વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય હવે મતદાનમાં માર્કર પેનનો ઉપયોગ નહીં થાય

  • January 16, 2026 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બીએમસી(મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી દરમિયાન આંગળી પરની શાહી સરળતાથી ભૂંસાઈ જવાને કારણે સર્જાયેલો વિવાદ છે.

બીએમસી ચૂંટણી દરમિયાન મતદાન કર્યા પછી મતદારોની આંગળી પર જે 'અમીટ શાહી' લગાવવામાં આવે છે, તે સરળતાથી નીકળી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે કલ્યાણના એમએનએસ ઉમેદવાર ઉર્મિલા તાંબેએ સૌથી પહેલા આ અંગે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ જાણીજોઈને આવી નબળી શાહી વાપરે છે જેથી સત્તાધારી પક્ષને ફાયદો થાય અને નકલી વોટિંગ કરાવી શકાય.

ઉર્મિલા તાંબેની ફરિયાદ બાદ જ્યારે મીડિયાકર્મીઓએ આની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આંગળી પર એસીટોન(Acetone) લગાવતા જ શાહી તરત જ સાફ થઈ ગઈ હતી.

વિપક્ષી શિવસેના(ઉદ્ધવ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. તેમણે ચૂંટણી પ્રક્રિયાની ખામીઓ ગણાવતા એવો આરોપ લગાવ્યો કે, વોટ આપ્યા પછી આંગળી પર લગાવવામાં આવતી શાહી બહુ આસાનીથી ભૂંસાઈ જાય છે. આ મામલે ચૂંટણી પંચની જવાબદારી નક્કી થવી જોઈએ.

બીજી તરફ, બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ પણ આ વાત સ્વીકારી છે કે માર્કર પેનથી કરવામાં આવેલું નિશાન કાયમી નથી અને તેને સહેલાઈથી સાફ કરી શકાય છે. જોકે, ચૂંટણી પંચના જનસંપર્ક અધિકારીએ બચાવ કરતા કહ્યું કે, 'સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ એક જૂની પદ્ધતિ છે. વર્ષ 2012થી જ ચૂંટણીઓમાં માર્કર પેનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ વખતે પણ એ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે.'

આ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આકરું વલણ અપનાવતા કહ્યું કે, 'ચૂંટણી પંચ નાગરિકોને ભ્રમિત કરી રહ્યું છે. વોટની ચોરી કરવી એ રાષ્ટ્રવિરોધી કામ છે. જેના કારણે લોકશાહીમાં વિશ્વાસ ઘટે છે, જે ચિંતાજનક છે.'

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે કે, 'આંગળી પર લગાવેલી શાહી ભૂંસવાનો પ્રયાસ કરીને મતદારોમાં ગેરસમજ ઉભી કરવી એ એક પ્રકારની ગેરરીતિ છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ આંગળી પરની શાહી ભૂંસીને ફરીથી મતદાન કરવા જશે, તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.' રાજ્ય ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, શાહી ભૂંસીને ગરબડ કરવાનો પ્રયાસ કરનાર મતદાર કોઈ પણ સંજોગોમાં ફરીથી વોટ આપી શકશે નહીં.


મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આ અંગે વધુમાં કહ્યું કે, 'આ બાબતે પહેલેથી જ પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે. દરેક મતદારના મતદાનનો રેકોર્ડ રાખવામાં આવે છે, તેથી માત્ર શાહી ભૂંસી નાખવાથી ફરી મતદાન કરવું શક્ય નથી. તમામ અધિકારીઓને આ બાબતે સતર્ક રહેવા માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application