BREAKING NEWS

જામનગરના નવા ફલાયઓવર નીચેના દબાણો પર તંત્રની તવાઇ

  • November 16, 2026 04:39 PM 

જામનગરના નવા ફલાયઓવર નીચેના દબાણો પર તંત્રની તવાઇ

​​​​​​​આજકાલ કાર્યાલય
જામનગર
જામનગર શહેરમાં જાહેર માર્ગો અને પાર્કિંગના સ્થળોએ થયેલાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે સુભાષ બ્રિજથી ગુરુદ્વારા ચોકડી અને સાત રસ્તા સુધીના ફ્લાયઓવરની નીચેના ભાગમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફ્લાયઓવરની નીચેના પાર્કિંગ સહિતના વિવિધ સ્થળોએ ઝૂંપડાં બાંધીને વસવાટ કરતા પરિવારોનાં દબાણો દૂર કરવા માટે એસ્ટેટ શાખાની ટીમ ત્રાટકી હતી. આ કામગીરી દરમિયાન ૩૫થી વધુ કર્મચારીઓનો સ્ટાફ ઉતારવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
​​​​​​​

ઉલ્લેખનીય છે કે, જામનગરના ત્રણ દરવાજા જૂના રેલવે સ્ટેશન નજીક રેલવેની જગ્યામાં ઝૂંપડાં બાંધીને વસવાટ કરતા લોકોને અગાઉ રેલવે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જગ્યાએ દીવાલ બનાવવામાં આવી હતી. રેલવે વિસ્તારને કવર કરવામાં આવ્યા બાદ કેટલાક ઝૂંપડાવાસીઓએ સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધીના ફ્લાયઓવરની નીચેના ભાગમાં આશ્રયસ્થાન બનાવી લીધાં હતાં. અહીં અંદાજે ૧૫થી વધુ પરિવારો વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જાહેર ઉપયોગની જગ્યાઓમાં થયેલાં આ દબાણોને કારણે સ્થાનિક સ્તરે ન્યૂસન્સ અને અવરજવરમાં અડચણ થતી હોવાની ફરિયાદો ઊઠી હતી.

અગાઉ આ જ સ્થળેથી ઝૂંપડાં હટાવવા માટે ગયેલી એસ્ટેટ શાખાની ટીમના ચાર કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના બની હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે મહાનગરપાલિકા દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં આશરે ૮ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ સુરક્ષા વચ્ચે એસ્ટેટ શાખાની ટીમે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી કમલભાઈ ગઢવી ઉપરાંત ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાની આગેવાનીમાં ૩૫થી વધુ કર્મચારીઓની ટીમ દ્વારા ફ્લાયઓવર નીચેના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની આ કાર્યવાહીને પગલે ફ્લાયઓવર નીચેના જાહેર ઉપયોગના સ્થળો ખુલ્લાં કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application