જામનગર એસટી ડીવીઝનને દિવાળીનો તહેવાર ફળ્યો: ૪.૮૮ લાખથી થઇ આવક
૮૦ એક્સ્ટ્રા બસ દોડી: પાંચ દિવસ દરમિયાન ૨,૧૧૯ મુસાફરોએ લાભ લીધો: ૧૭,૮૧૫ કિલોમીટરનું વધારાનું પરિવહન
દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધેલી અવરજવરને પહોંચી વળવા જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. તા. ૪ નવેમ્બરથી ૮ નવેમ્બર સુધીના પાંચ દિવસ દરમિયાન એસ.ટી. વિભાગ દ્વારા કુલ ૮૦ એક્સ્ટ્રા બસના ફેરા કરવામાં આવ્યા હતા. જેમાં ૨,૧૧૯ મુસાફરોએ એસ.ટી. બસની મુસાફરીનો લાભ લીધો હતો અને વિભાગને કુલ રૂ. ૪,૮૮,૯૩૫ની આવક થઈ હતી.
એસ.ટી. વિભાગના ઉપલબ્ધ આંકડા મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન વધારાના બસ સંચાલન થકી કુલ ૧૭,૮૧૫.૬૬ કિલોમીટરનું પરિવહન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસમાં સરેરાશ પ્રતિ કિલોમીટર રૂ. ૨૭.૪૪ની આવક નોંધાઈ હતી.
તહેવારોના દિવસોમાં તા. ૪ નવેમ્બરના રોજ એક બસના ફેરા દ્વારા ૬૬ મુસાફરોનું પરિવહન કરી રૂ. ૨૬,૭૦૦ની આવક મેળવવામાં આવી હતી. તા. ૫ નવેમ્બરના રોજ ત્રણ બસના ફેરામાં ૧૬૦ મુસાફરોએ મુસાફરી કરી હતી અને રૂ. ૩૫,૮૦૮ની આવક થઈ હતી.
જ્યારે તા. ૬ નવેમ્બરના રોજ સૌથી વધુ ૧૨ બસના ફેરા નોંધાયા હતા. આ દિવસે ૩૩૦ મુસાફરોએ મુસાફરી કરી હતી અને રૂ. ૮૦,૭૮૬ની આવક થઈ હતી. તા. ૭ નવેમ્બરના રોજ ૧૦ બસના ફેરામાં ૨૩૩ મુસાફરોનું પરિવહન કરી રૂ. ૪૩,૨૭૮ની આવક થઈ હતી. જ્યારે તા. ૮ નવેમ્બરના રોજ ૧૦ બસના ફેરામાં ૧૩૫ મુસાફરોએ મુસાફરી કરી હતી અને રૂ. ૧૧,૭૮૪ની આવક નોંધાઈ હતી.
આમ, દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા કરવામાં આવેલા વધારાના બસ સંચાલનના પરિણામે પાંચ દિવસમાં કુલ ૮૦ ફેરા, ૨,૧૧૯ મુસાફરો, ૧૭,૮૧૫.૬૬ કિલોમીટરનું પરિવહન અને રૂ. ૪.૮૮ લાખથી વધુની આવક નોંધાઈ હતી.