ખંભાળીયા: ૨૨ વર્ષની યુવતીએ વૃંદાવનથી દ્વારકાની સાહસિક પદયાત્રા કરી: આગમન થતા સ્વાગત સન્માન કરાયું
ઉત્તરપ્રદેશ વૃંદાવનથી ૧૨૦૦ કિલોમીટરની પદયાત્રા કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે એકલપંડે નીકળેલી શ્રી કૃષ્ણ ભક્ત દીકરી એવી મૂળ હરિયાણા રાજ્યની વતની રામાનું ખંભાળિયા ખાતે આર.એસ.એસ.ના સ્વયંસેવક વ્રજ પરેશભાઈ કાનાણીના ઘરે આગમન થયું હતું.
વર્તમાન સમયમાં નારીને કમજોર સમજીને તેના પર લાદવામાં આવતા પ્રતિબંધોના વિરોધમાં તેમજ નારી સશક્તિકરણને ઉત્તેજન આપવાના ઉમદા આશયથી અને હૃદયમાં કૃષ્ણભક્તિ સાથે નીકળેલી આ યુવતી રામાએ પોતાની પદયાત્રામાં થયેલા અનુભવોને પણ વર્ણવ્યા હતા.
લાંબી પદયાત્રા કરીને ૫૮ દિવસ બાદ ખંભાળિયા આવેલી આ કૃષ્ણ ભક્ત યુવતી સાથે અહીંના કાર્યકર ઇન્દ્રજીતસિંહ પરમાર, સલાયાના અગ્રણી લાલજીભાઈ ભુવા અને પરેશભાઈ કાનાણીએ શુભેચ્છા મુલાકાત કરી, તેણીને સન્માનિત કરી, આ ધાર્મિક નિષ્ઠાને બિરદાવી હતી.