BREAKING NEWS

જામનગર: ગુલાબનગર ડમ્પીંગ સાઇટના કચરાના ઢગલાનું પ્રકરણ છેક ગાંધીનગર પહોંચ્યું

  • May 28, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર: ગુલાબનગર ડમ્પીંગ સાઇટના કચરાના ઢગલાનું પ્રકરણ છેક ગાંધીનગર પહોંચ્યું


૫-૫ દિવસ સુધી આગ ન બુઝાઇ: ૮૫ જેટલી ગાડીનું કરાયું ફાયરીંગ: વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પણ સરખો ચાલતો ન હોય, હવે પછી શું...?: ચર્ચાતો પ્રશ્ર્ન


ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ ઉપર મોટા પ્રમાણમાં કચરો એકત્ર થયાં બાદ પાંચેક દિવસ પહેલા આ ઢગલામાં આગ લાગતા ફાયર બ્રીગેડે સતત પાણીનો મારો ચલાવીને પાંચમા દિવસે આગ બુઝાવી હતી, પાણીની પાઇપલાઇન પણ નાખી હતી અને ૮૫ જેટલા વોટર ટેન્કરો પણ તૈનાતમાં રાખ્યા હતાં અને આ આગ બુઝાવી હતી. આગની ખબર મળતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જામનગરની રીજીનીયોલ ઓફીસરની ટીમે સ્થળની મુલાકાત લઇને ઘેર ધુમાડા અંગે નોંધ કરીને આ અંગેનો રીપોર્ટ ગાંધીનગર પહોંચાડ્યો હોવાનું જાણવા મળે છે.


જાણવા મળતી માહિતી મુજબ એબલોન એનર્જી લી. દ્વારા આશરે ૮૦ કરોડનો ખર્ચ કરીને કચરો બાળી વિજળી પેદા કરવાનો સૌરાષ્ટ્રનો પહેલો પ્લાન્ટ શરૂ કર્યો હતો, ટેકનીકલ બહાનુ કાઢીને આ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો, આ અંગે અવારનવાર નોટીસ પાઠવી દેવામાં આવી હતી પરંતુ કંપની દાદ દેતી ન હતી અને કંપનીની ડીપોઝીટ ઝપ્ત કરવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.


કંપની દ્વારા ફરીથી પ્લાન્ટ શરૂ કરાયો, અગાઉ સરતભંગની કાર્યવાહીની નોટીસ પણ અપાઇ હતી, દરરોજ જામનગરનો ૩૫૦ ટન જેટલો કચરો ભેગો થાય છે, જોકે કોર્પોરેશન પાસે સરકારી માન્ય ડમ્પીંગ સાઇટ નથી એવું જાણવા મળ્યું છે, હવે આગ લાગ્યા બાદ ઝેરી ધુમાડા અંગે વિભાપર, મોહનનગર, ગુલાબનગર સહિતના રહેવાસીઓએ ફરીયાદ પણ કરી હતી પરંતુ કોઇ પગલા લેવામાં આવ્યા ન હતાં.


ખરી રીતે મિશ્ર કચરો બાળવાથી પર્યાવરણને જોખમ થાય છે કારણ કે પ્લાસ્ટીક, રબર, કેમીકલ જેવો કચરો આમાં હોય છે, ખરીરીતે કોર્પોરેશનના નિયમ મુજબ સુકો અને ભીનો કચરો અલગ કરવો જોઇએ, ઝેરી પાણી પણ જમીનમાં જાય છે, ગેસ નિયંત્રણ કરવું જરૂરી છે અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા માર્ગદર્શીકા પણ બહાર પાડવામાં આવી છે, હાલ તો બધુ એમને એમ ચાલે છે, ર્દુગંધ વચ્ચે લોકો હેરાન થાય છે, ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ અંગે કેવા પગલા લેશે તેના પર આધાર છે, પરંતુ હાલ તો આગ બુઝાઇ ગઇ છે પરંતુ બીજી આગ કયારે શરૂ થશે અને કંપની સામે કેવા પગલા લેવામાં આવશે તે અંગે ચર્ચા શરૂ થઇ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application