હાલારમાં મનરેગા યોજનાના કર્મચારીઓની દયનીય હાલત, છ મહીનાથી પગારથી વંચિત
કારમી મોંઘવારીમાં વેતન ન મળતા કર્મીઓને જીવનનિર્વાહ કરવો મુશ્કેલ, વ્યાજના વિષચક્રમાં ફસાઇ રહ્યા છે
બહેરાકાને અથડાતી ફરિયાદો-રજૂઆતો: મૂક પ્રેક્ષક બનીને તંત્ર તમાશો નીહાળતા કર્મીઓમાં પ્રચંડ આક્રોશ
હાલારમાં મનરેગા યોજનાના કર્મચારીઓની હાલત દયનીય બની છે. કારણ કે, છ મહીનાથી કર્મીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. કારમી મોંઘવારીમાં વેતન ન મળતા કર્મીઓને જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. આટલું જ નહીં ઘરનું ગુજરાન ચલાવવા વ્યાજના વિષચક્રમાં ફસાઇ રહ્યા છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરને કરવામાં આવતી ફરિયાદો બહેરાકાને અથડાઇ રહી છે તો તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો નીહાળતા કર્મચારીઓમાં પ્રચંડ આક્રોશની લાગણી ફેલાઇ છે અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રમીકોને રોજગારી પૂરી પાડતી મહત્વની મનરેગા યોજનાના કર્મચારીઓની હાલત ભારે કફોડી બની છે. કારણ કે, નવેમ્બર-૨૦૨૫થી આ કર્મચારીઓને પગાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચૂકવવામાં આવ્યો નથી. આ અંગે ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દેવભૂમિ દ્વારકા જિલ્લાએ તાજેતરમાં જિલ્લા પ્રોગામ કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાનુસાર ઓલ ગુજરાત મનરેગા યુનિયન સાથે જોડાયેલા દરેક કર્મચારીઓ કે જેઓ મનરેગા યોજના હેઠળ કામગીરી કરી રહ્યા છે. આ તમામ કર્મચારીઓના નવેમ્બર-૨૦૨૫થી પગાર બાકી છે. હાલ પગાર નવી એસએનએ પઘ્ધતિથી કરવામાં આવે છે. આથી છ મહીના સુધી કર્મચારીઓને કેમ મળ્યો નથી તેનું કારણ સમજાતું નથી. કારમી મોંઘવારીમાં સમયસર પગાર ન મળતા કર્મચારીઓનો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. આટલું જ નહીં જીવનજરિયાતની રોજની વસ્તુઓ લેવા અને પરિવારનું ગુજરાન ચલાવવા વ્યાજના વિષચક્રમાં ફસાતા જાય છે. ત્યારે પગાર ન મળવાથી કોઇ કર્મચારી અનિઈચ્છનીય પગલું ભરશે તો જવાબદારી કોની તે સવાલ પણ ઉઠ્યો છે.
આટલું ઓછું હોય તેમ મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા ટેકનીકલ આસીસ્ટન્ટ કે જેઓનો પગાર સેમીસ્કીલ(મટીરીયલ) ગ્રાન્ટમાંથી થાય છે તેઓના પગાર માટે નવેમ્બર ૨૦૨૫થી ગ્રાન્ટ જ ફાળવવામાં આવી નથી. તદઉપરાંત નવી એસએનએ પઘ્ધતિમાં પણ આ અંગે કોઇ કામગીરી થઇ નથી. આથી ટેકનીકલ આસીસ્ટન્ટના પગાર કયારે થશે તે પણ જોવાનું રહ્યું. નવાઇની વાત તો એ છે કે, રાજયના યુનિયનના આદેશ અનુસાર પગાર ન મળતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરવા સહીત અનેક આંદોલનાત્મ કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શીત કરી રહ્યા છે. પરંતુ ફરિયાદો અને રજૂઆતો બહેરાકાને અથડાઇ રહી છે તો કર્મચારીઓની હાલત ભારે દયનીય બની હોવા છતાં તંત્ર મૂક પ્રેકક્ષ બનીને તમાશો નીહાળતા રોષે ભરાયેલા કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
બંને જિલ્લામાં કુલ ૮૧ કર્મીનો રૂ.૧ કરોડથી વધુ પગાર બાકી:
હાલારના બંને જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કામગીરી કરતા કર્મચારીઓને છ મહીનાથી પગાર ન મળતા ભારે દેકારો બોલી ગયો છે. જેમાં જામનગર જિલ્લાના ૪૯ કર્મચારીઓના ઓકટોબરથી એપ્રીલ મહીના સુધીનો કુલ રૂ.૭૩,૪૪,૯૦૧ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૨ કર્મચારીઓનો નવેમ્બર-૨૦૨૫થી અત્યાર સુધીનો કુલ રૂ.૨૮,૦૭,૧૩૪નો પગાર બાકી છે.