દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “પોષણ સંગમ” કાર્યક્રમ બન્યો આશીર્વાદ સમાન
“પોષણ સંગમ” કાર્યક્રમ થકી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનાં ભાગરૂપે હાલમાં સમગ્ર રાજ્યમાં એપ્રિલ-૨૦૨૫ થી “પોષણ સંગમ” કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. “પોષણ સંગમ” કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં આવતા તમામ બાળકોનું દર મહિને વજન અને ઉંચાઇ કરી ઓછા વજન વાળા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે.
“પોષણ સંગમ” કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન કાર્યક્રમનાં ૧૦ પગલા નક્કી કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ૬૯૧ આંગણવાડી કેન્દ્રોમાં આરોગ્ય વિભાગ અને આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા સંકલન કરી બાળકોનું સ્ક્રીનીંગ કરી અતિ ગંભીર કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોની ઓળખ કરી જરૂરિયાત મુજબ સંસ્થાકીય સ્તરે કે સમુદાય સ્તરે (આંગણવાડી કેન્દ્ર ખાતે )સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે. “પોષણ સંગમ” કાર્યક્રમનાં અમલીકરણ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ચ-૨૦૨૫ અંતિત અતિ ગંભીર કુપોષિત બાળકો (SAM) બાળકોનું પ્રમાણ ૧.૫૧ % હતું, જે ઘટીને માર્ચ-૨૦૨૬ અંતિત ૦.૭૧% થયું છે. મધ્યમ કુપોષિત બાળકોનું પ્રમાણ અંતિત ૪.૫૪% હતું જે ઘટીને અંતિત ૨.૪૨% થયું છે. એ જ રીતે અતિ ઓછા વજન વાળા બાળકોનું પ્રમાણ અંતિત ૨.૨૧% હતું જે ઘટીને ૧.૫૩% થયું છે. મધ્યમ ઓછા વજન વાળા બાળકોનું પ્રમાણ ૧૦.૨૪% હતું જે ઘટી ને હાલ ૭.૧૮% થયું છે.
જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરનાં સતત માર્ગદર્શન અને સઘન મોનિટરીંગ હેઠળ આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જિલ્લામાં યોજનાનું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાને સુપોષિત જિલ્લો બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
તે ઉપરાંત નાયરા એનર્જી સંચાલિત “પ્રોજેક્ટ તુષ્ટી” અંતર્ગત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે સમયાંતરે બાળરોગ નિષ્ણાંતો દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરી જરૂરી દવાઓ તથા પોષણ કીટનું વિતરણ કરવામાં આવે છે આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે પોષણ સંગમ કાર્યક્ર્મ આશીર્વાદ રૂપ સાબિત થયેલ છે.