પાકને ધૂળ ચટાવનાર મોહિતે જામનગરમાં ઘૂટયો તો ક્રિકેટનો એકડો
રવિન્દ્ર જાડેજા જેવી પ્રતિભા આપનાર મહેન્દ્રસિંહ ચૌહાણના ક્રિકેટ કોચીંગમાં ઉમેરાયું એક વધુ છોગુ: મહિલા ક્રિકેટમાં પણ સારુ યોગદાન: ટેનીસ ક્રિકેટ ખેલતા ખેલતા મોહિત ઉલ્વાએ ક્રિકેટ બંગલામાં લીધી તાલીમ
અંડર-૧૯ એશિયા કપના ફાઇનલના દિલધડક મુકાબલામાં પરાજયની કગારે પહોંચી ગયેલી ટીમને ઉગારીને વિજયના કાંઠા સુધી ખેંચી લાવનાર મોહિત ઉલ્વા પર દેશભરમાંથી અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે ત્યારે ખુબ ગૌરવની વાત છે કે આ ક્રિકેટરે જામનગરનાં ઐતિહાસિક ક્રિકેટ બંગલામાં સીઝન બોલ ક્રિકેટનો એકડો ઘૂંટયો હતો, અહીં ક્રિકેટની બારીકાઇ શીખ્યા બાદ રાજકોટ સ્થાયી થયેલ ખેલાડીએ પોતાનુ કૌવત દેખાડીને સૌરાષ્ટ્રનું જ નહિં, જામનગરનું નામ પણ રોશન કર્યું છે.
જામનગરની ક્રિકેટની ધરતી પર છેલ્લા ચાર દાયકાથી અનેક ક્રિકેટ પ્રતિભાઓને ઘડવાનું ભગીરથ કાર્ય કરી રહેલા સિનિયર ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણનું નામ આજે ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું છે. તાજેતરમાં રમાયેલી અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની ટીમ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ હતી ત્યારે જામનગરમાં ક્રિકેટની તાલીમ મેળવેલા અને હાલ રાજકોટથી ક્રિકેટ રમતા યુવા ખેલાડી મોહિત ઉલ્વાએ અંતિમ બોલે વિજયી ચોગ્ગો ફટકારીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો. મોહિતના આ શાનદાર પ્રદર્શનથી જામનગરમાં પણ ગૌરવની લાગણી પ્રસરી છે. કારણ કે મોહિતે ક્રિકેટના પાઠની શરૂઆત જામનગરના અજીતસિંહજી ક્રિકેટ મેદાન ખાતે મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ જ કરી હતી.
મોહિત ઉલ્વાએ એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે માત્ર ૨૬ બોલમાં અણનમ ૪૯ રનની તોફાની ઇનિંગ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. અંતિમ બોલે ચોગ્ગો ફટકારીને તેણે ભારતને વિજય અપાવ્યો હતો અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મેળવ્યો હતો. એક સમયે હારની ભીતિ ઊભી થઈ હતી ત્યારે મોહિતે અદમ્ય આત્મવિશ્વાસ અને આક્રમક બેટિંગથી મેચનું પાસું પલટી નાખ્યું હતું. રાજકોટમાં સ્થાયી થયેલા મોહિતે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતમાં ગામમાં ટેનિસ બોલ ક્રિકેટ રમ્યા બાદ પિતાની પ્રેરણાથી ઔપચારિક તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. જામનગરના ક્રિકેટ બંગલામાં મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેણે ક્રિકેટની બારીકીઓ શીખી હતી. બાદમાં પિતાની રાજકોટ ખાતે બદલી થતાં મોહિત રાજકોટ સ્થળાંતર થયો અને સૌરાષ્ટ્રની વયજૂથની ક્રિકેટમાં આગળ વધ્યો હતો. આજે એ જ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો તિરંગો લહેરાવી જામનગરના કોચનું નામ ઉજ્જવળ કર્યું છે.
મહેન્દ્રસિંહ ચૌહાણની આ ક્રિકેટ સફર પાછળ પણ એક રસપ્રદ અને પ્રેરણાદાયી જીવનકથા રહેલી છે. મૂળ બિહારના વતની એવા ચૌહાણ પરિવારની જામનગરના પોલીસ વિભાગ સાથે વર્ષો જૂની નાતો ધરાવે છે. મહેન્દ્રસિંહ ચૌહાણના પિતા સરજુસિંહ ચૌહાણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે જામનગરના પોલીસ બેડામાં જોડાયા હતા અને પોતાની ફરજ દરમિયાન પ્રમોશન મેળવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પી.એસ.આઈ.)ના હોદ્દા સુધી પહોંચ્યા બાદ નિવૃત્ત થયા હતા. પિતાના પગલે મહેન્દ્રસિંહ ચૌહાણ પણ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા અને પોતાની ફરજ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુધીનું પ્રમોશન મેળવ્યું હતું. જોકે, બાળપણથી જ ક્રિકેટ પ્રત્યેનો તેમનો લગાવ અને રમતના ક્ષેત્રમાં કંઈક કરી છૂટવાની પ્રબળ ઇચ્છાએ તેમને અલગ જ રાહે દોર્યા હતા. આખરે તેમણે પોલીસ વિભાગની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારીને પોતાનું સમગ્ર જીવન ક્રિકેટને સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો.
પોલીસની ખાખી વર્દી છોડ્યા બાદ મહેન્દ્રસિંહ ચૌહાણે જામનગરના ક્રિકેટ બંગલામાં કોચ તરીકેની કામગીરી શરૂ કરી હતી. છેલ્લા આશરે ચાલીસ વર્ષથી તેઓ સતત યુવા ખેલાડીઓને ક્રિકેટની તાલીમ આપી રહ્યા છે. તેમની તાલીમમાં માત્ર રમતની ટેકનિક જ નહીં, પરંતુ શિસ્ત, મહેનત, આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેનું સમર્પણ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. અનેક યુવા ખેલાડીઓએ તેમના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની શરૂઆત કરી આગળ વધીને રાજ્ય, રાષ્ટ્રીય અને આઈપીએલ સુધીની સફર ખેડી છે.
મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટનો ઝગમગતો ઓલરાઉન્ડર રવીન્દ્રસિંહ જાડેજા પણ સામેલ છે. રવીન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રતિભા અને પ્રદર્શનથી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. જામનગરની ક્રિકેટ ધરતી સાથે જોડાયેલા આ ખેલાડીની શરૂઆતની તાલીમમાં મહેન્દ્રસિંહ ચૌહાણનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આ ઉપરાંત બાલકૃષ્ણ જાડેજા અને ચિરાગ પાઠક નામના ખેલાડીઓએ પણ તેમના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની તાલીમ મેળવી આઈપીએલ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવી છે. હવે મોહિત ઉલ્વાની એશિયા કપની સફળતાએ તેમની કોચિંગ યાત્રામાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે.
મહેન્દ્રસિંહ ચૌહાણ માત્ર પુરુષ ક્રિકેટરોને જ નહીં, પરંતુ મહિલા ક્રિકેટને પણ એટલું જ મહત્ત્વ આપી રહ્યા છે.તેમના માર્ગદર્શન હેઠળ મહિલા ક્રિકેટરોની પ્રતિભા પણ વિકસી રહી છે. જામનગરની ઉભરતી મહિલા ક્રિકેટર નેહા ચાવડા તેનું ઉદાહરણ છે. નેહા ચાવડાએ ગત વર્ષે મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)માં સ્થાન મેળવી જામનગરનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં શ્રુતિ મંધાનાના માર્ગદર્શન હેઠળની વેસ્ટ ઝોનની ટીમમાં સ્થાન મેળવનારી જામનગરની મહિલા ક્રિકેટ પ્રતિભાએ પણ શહેરને ગૌરવ અપાવ્યું છે. આમ, મહિલા ક્રિકેટના ક્ષેત્રમાં પણ મહેન્દ્રસિંહ ચૌહાણની તાલીમ અને પ્રોત્સાહનથી નવી પ્રતિભાઓ આગળ વધી રહી છે.
મહેન્દ્રસિંહ ચૌહાણે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ સુધીની સેવા આપ્યા બાદ ક્રિકેટને જીવન સમર્પિત કર્યું હતું. મૂળ બિહારના આ પરિવારે જામનગરને પોતાની કર્મભૂમિ બનાવી અહીં જ વસવાટ કરીને પોલીસ સેવા અને સામાજિક-વ્યાવસાયિક ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરી છે.
જયારે એશિયા કપની ફાઇનલમાં મોહિત ઉલ્વાના અંતિમ બોલે ફટકારેલા વિજયી ચોગ્ગા બાદ જામનગરમાં મહેન્દ્રસિંહ ચૌહાણ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ક્રિકેટ જગતના અગ્રણીઓ, જૂના શિષ્યો, મિત્રો, શુભેચ્છકો અને રમતપ્રેમીઓ ટેલિફોનિક તેમજ રૂબરૂ મુલાકાત લઈને તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ચાર દાયકાથી ક્રિકેટના મેદાનમાં નિ:સ્વાર્થપણે પ્રતિભાઓને ઘડતા રહેલા એક કોચ માટે તેમના શિષ્યની આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતા એ જ સૌથી મોટું સન્માન બની રહે છે. મોહિત ઉલ્વાની આ ઐતિહાસિક સફળતાએ ફરી સાબિત કર્યું છે કે જામનગરના ક્રિકેટ બંગલામાં મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા વાવેલા પ્રતિભાના બીજ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાનમાં ફૂલીફાલી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application