જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં સતત ૭૦ માં વર્ષે ભોઈ સમાજ દ્વારા રિલાયન્સ પ્રાયોજીત રાજ્યની સૌથી વિરાટ ૨૫ ફૂટના કદની હોળી
'છોટીકાશી' થી પ્રચલિત જામનગરમાં હોળી નાં પર્વને લઇને આયોજકો તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ૩ માર્ચે મંગળવારે પૂનમનાં ચંદ્રગ્રહણ સહિતની બાબતોને કારણે આ વર્ષે પૂનમની પૂર્વ સંધ્યાએ એટલેકે આજે ૨ માર્ચનાં હોળી પ્રગટાવવામાં આવશે. શહેરમાં લગભગ ૩૦૦ થી વધુ સ્થળોએ પરંપરાગત રીતે હોલિકા દહન થશે. જેમાં ખાસ કરીને શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા સતત ૭૦ માં વર્ષે રાજ્યની સૌથી વિરાટ હોળીનાં દહનનો કાર્યક્રમ યોજાશે. જેની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે.
નાગેશ્વર વિસ્તારમાં આવેલી સમસ્ત ભોઈ જ્ઞાતિની વાડીએથી મોટા કદના વાહનમાં હોલિકાનું વિશાળ કદનું પૂતળું લઈ જવામાં આવ્યું હતું, અને શાકમાર્કેટ વિસ્તારમાં પ્રસ્થાપિત કરીને હોળીકા દહનની તૈયારીઓ થઈ ચૂકી છે.
રિલાયન્સનાં ધનરાજભાઈ નથવાણી આ આયોજનનાં મુખ્ય પ્રાયોજક તરીકે જોડાયા છે. સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી અને રિવાબા જાડેજા, નગરના મેયર અને શહેર ના અન્ય પદાધિકારીઓ સહિતનાં સત્તાધીશો અને મહાનુભાવો અતિથી થશે.
જામનગર શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ મોટા ચોક તેમજ નાની શેરી-ગલીઓમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, અને આયોજકો દ્વારા છાણા- લાકડા વગેરે ગોઠવીને હોળીકા દહન ની તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાત્રિના ૮.૩૦ વાગ્યાનો હોલિકા દહનનો સમય નિર્ધારિત થયો છે. તે સમયે શહેરમાં તમામ સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવશે.