જામનગર: રામપરના પાટિયા પાસે ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ત્રણ શખ્સોને ૧.૯૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા : રિમાન્ડ માટે તજવીજ
જામનગર-રાજકોટ હાઇવે પર રામપર ગામના પાટિયા પાસે આવેલી શ્રી મોમાઇ ટ્રાન્સપોર્ટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પંચકોશી-એ ડિવિઝન પોલીસે ઉકેલી ત્રણ આરોપીઓને રૂ.૧.૯૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
પોલીસની ટીમ દ્વારા વણશોધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બનાવસ્થળ તથા આસપાસના વિસ્તારના અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના કેમેરાના ફૂટેજની તપાસ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન પંચકોશી-એ ડિવિઝનના પીઆઇ ધાસુરાની સુચનાથી સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, ચેતનભાઇ, જયદીપસિંહ, હરદેવસિંહ, કમલેશભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોમાઇ ટ્રાન્સપોર્ટમાં થયેલી ચોરીનો મુદ્દામાલ ત્રણ શખ્સો બે મોટરસાઇકલ પર લઇને વેચવા માટે નીકળવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
પોલીસે બાતમી મુજબની બંને મોટરસાઇકલને અટકાવી તપાસ કરતાં આરોપીઓ પાસેથી આલ્ફા કંપનીની બેટરી નંગ-૧, કિંમત રૂ.૧૨,૦૦૦, ટ્રકની મોટી ઇલેક્ટ્રિક વાયર લૂમ નંગ-૧, કિંમત રૂ.૩૨,૦૦૦ તથા નાની ઇલેક્ટ્રિક વાયર લૂમ નંગ-૧, કિંમત રૂ.૨૫,૦૦૦ મળી આવી હતી.
આ ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં. જીજે૧૦ઇકે-૦૧૦૯ તથા બાઇક નં. જીજે૧૦ઇએ-૭૬૭૪ કિંમત ૧.૨૦ લાખ તથા બે મોબાઇલ ફોન, કિંમત ૧૦,૦૦૦ મળી કુલ ૧,૯૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે આ ગુનામાં આઇધનભાઇ બચુભાઇ વાઘેલા, પરવીન ઉર્ફે કરીમ ગોવિંદભાઇ વાઘેલા બંને રહે. ગુલાબનગર ઓવરબ્રિજ નીચે, પાણીના ટાંકા પાસે, રેલવે પાટાની બાજુમાં, જામનગર તથા ગગજીભાઇ અજમલભાઇ વાઘેલા, રહે. ધુવાવ હાઉસિંગ બોર્ડ, પ્રભુભાઇની દુકાન સામેની શેરી, જામનગરને ઝડપી લીધા છે. આ અંગે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૩૩૧(૪), ૩૦૫ તથા ૫૪ મુજબ નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે.