દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા વેપારી યુવાનના બેટ દ્વારકા સ્થિત એમ.સી.વી. મોલમાંથી ભગવાન શ્રીકૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપની મૂર્તિ ચોરી થવાની ઘટના સામે આવી છે. બે અજાણી મહિલાઓ દરવાજા પાસે રાખેલા સ્ટેન્ડમાંથી મૂર્તિ ઉઠાવીને લઈ ગઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. મળતી માહિતી મુજબ, રબારી પાડો વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ નારણભાઈ લુણા બેટ દ્વારકા ખાતે એમ.સી.વી. મોલ ધરાવે છે. તેમના મોલના પ્રવેશદ્વાર પાસેના સ્ટેન્ડમાં ભગવાન શ્રીકૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપની મૂર્તિ રાખવામાં આવી હતી. દરમિયાન બે અજાણી મહિલાઓએ તકનો લાભ લઈ આશરે રૂ. ૨,૮૦૦ની કિંમતની આ મૂર્તિની ચોરી કરી હતી.આ બનાવ અંગે શૈલેષભાઈ દ્વારા બેટ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. બે અજાણી મહિલાઓ દ્વારા કરવામાં આવેલી આ ચોરીના બનાવે વિસ્તારમાં ચર્ચા જગાવી છે.