જામનગર પંથકમાં સપરમાં દિવસમાં ત્રણ ગમખ્વાર અકસ્માત: ચારનાં મોત
જામનગર પંથકમાં નુતન વર્ષ અને ભાઈબીજ જેવા સપરમાં દિવસો દરમિયાન સર્જાયેલા ૩ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યાં છે, જ્યારે ૯ વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જોગવડ ખાતે આશાપુરા માતાજીનાં દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની ઈકો કારનું ટાયર ફાટતાં અલીયાબાડા પાસે પુલ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી, જેમાં ૧૯ વર્ષની યુવતી અને ૫૫ વર્ષીય મહિલાનાં મોત થયાં હતાં. જ્યારે બીજા દિવસે રણુજા મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા બે ભાઈઓની મોટરસાઇકલને મોડપર ગામ પાસે ટ્રકે અડફેટે લેતાં ૨૧ વર્ષના નાના ભાઈનું મોત નીપજ્યું હતું. જયારે નિકાવા નજીક ટ્રકના ચાલકે બેદરકારીથી ચલાવીને રણુંજા પગપાળા જઇ રહેલા લોકોને હડફેટે લીધા હતા જેમાં એક યુવાનનું મૃત્યુ થયુ હતું અને અન્યને ઇજા પહોચી હતી.
જામનગર નજીક અલીયાબાડા ગામના પાટિયા પાસે ગત તા. ૧૦ નવેમ્બરના રોજ સાંજે આશરે છ વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જામનગરના બાડા ગામે રહેતા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ. ૫૧)ના પરિવારજનો અને સગાંસંબંધીઓ કુલદીપસિંહ ધીરુભા ઝાલાની ઈકો કાર નં. જીજે-૧૦-ડીઆર-૩૧૯૪માં જોગવડ ગામે આશાપુરા માતાજીનાં દર્શન કરવા ગયાં હતાં. દર્શન કરીને પરત ફરતી વખતે અલીયાબાડા ગામના પાટિયા પાસે પુલ ઉપર ઈકો કારનું આગળનું ટાયર અચાનક ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી પુલ સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકો ફંગોળાઈ ગયાં હતાં. જેમાં મહેન્દ્રસિંહની ૧૯ વર્ષીય પુત્રી માનશીબા અને કુટુંબનાં ૫૫ વર્ષીય કૈલાશબા જાડેજાને માથામાં ગંભીર ઈજાઓ થતાં બેભાન થઈ ગયાં હતાં. આ ઉપરાંત મીતલબા, પ્રિયંકાબા, રંજનબા, સાત વર્ષના સર્વદીપસિંહ અને બે વર્ષની માન્યતાબાને પણ ઈજાઓ પહોંચી હતી. તમામને ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં માનશીબા અને કૈલાશબાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ-એમાં ઇકો ચાલક કુલદિપસિંહ સામે ફરીયાદ કરવામાં આવી હતી. બનાવના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી.
બીજા બનાવમાં તા. ૧૧ નવેમ્બરના રોજ જામનગર નજીક મોડપર ગામ પાસે ટ્રકની અડફેટે મોટરસાઇકલ સવાર બે ભાઈઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ૨૧ વર્ષીય રાહુલ જયેશભાઈ સામાણીનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના મોટાભાઈ હાર્દિકભાઈને સામાન્ય ઈજા થઈ હતી.
જામનગરના ગાંધીનગર મેઈન રોડ પર જયંત કોલોનીમાં રહેતા હાર્દિકભાઈ જયેશભાઈ સામાણી (ઉ.વ. ૨૭) અને તેમના નાના ભાઈ રાહુલ (ઉ.વ. ૨૧) ગત તા. ૧૧ નવેમ્બરના રોજ બપોરે મિત્રની મોટરસાઇકલ લઈને કાલાવડ તાલુકાના રણુજા મંદિરે દર્શન કરવા ગયાં હતાં. દર્શન કરીને જામનગર પરત ફરતી વખતે બપોરે સાડા ત્રણેક વાગ્યે મોડપર ગામ પાસે આગળ જતી કારને સાઇડમાંથી પસાર થવાનો પ્રયાસ કરતાં સામેથી પૂરઝડપે આવી રહેલા ટ્રક નં. જીજે-૦૩-બીવાય-૧૩૮૫ના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કરથી બંને ભાઈઓ રસ્તા પર પટકાયા હતા. જેમાં હાર્દિકભાઈને જમણા પડખે છોલછાલની ઈજા થઈ હતી, જ્યારે રાહુલને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બંનેને ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે રાહુલને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે હાર્દિકભાઈ સામાણીએ પંચકોશી-એ પોલીસ મથકમાં ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત કાલાવડ-રાજકોટ હાઇવે નિકાવા નજીક વન ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝની સામે પુલીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેની વિગત મુજબ ગત તા. ૯ રાત્રીના સુમારે ફરીયાદીના પુત્ર યશભાઇ અમેથીયા (ઉ.વ.૨૧) તથા ધ્રુવીતાબેન જેન્તીભાઇ અમેથીયા અને અન્ય પાંચ સાહેદો બધા રાજકોટથી કાલાવડ તાલુકાના રણુંજા ખાતે પગપાળા માનતા પુરી કરવા જતા હતા, ત્યારે ઉપરોકત સ્થળે પહોચતા ટાટા ટ્રક નં. આરજે-૧૯જીકે-૪૩૧૭ના ચાલકે બેદરકારીથી ચલાવી અકસ્માત સર્જયો હતો જેમાં યશભાઇને પાછળથી ઠોકર મારી રોડ પર પછાડી દઇ માથાના ભાગે ગંભીર ઇજા કરતા સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ થયુ હતું, જયારે ધ્રુવીતાબેનને ઇજા થઇ હતી. આ બનાવ અંગે મવડી રોડ લાભદીપ સોસાયટીમાં રહેતા ચીમન ગોકળભાઇ અમેથીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ટાટા ટ્રકના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.