↵દેવભૂમિ દ્વારકા: નંદાણા પાટીયા પાસેથી રોયલ્ટી વગર રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું
પશ્ર્ચિમ બંગાળના ચાલક સામે કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અંગે મળેલી સૂચનાઓ મુજબ કલ્યાણપુર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રેતી વહન કરતા એક ટ્રેક્ટરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડ દ્વારા ખનીજ ચોરી આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કાર્યરત હતો. આ દરમિયાન ભાટીયા આઉટપોસ્ટના પી.એસ.આઈ. કે.પી. ઝાલા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે નંદાણા ગામના પાટીયા પાસે રોડ પરથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરને રોકીને તપાસ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન ટ્રેક્ટર ચાલક પાસે ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલી રેતી અંગે કોઈ આધાર, પાસ-પરમિટ કે રોયલ્ટી પાસ મળી આવ્યા ન હતા. બિનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નંબર ૠઉં-૦૮-ઇઇ-૭૪૦૭ ના ચાલક નસરૂલ તજમુલ સબજી (ઉંમર ૨૯, હાલ રહે. ગણેશગઢ, તા. કલ્યાણપુર, મૂળ રહે. પશ્ચિમ બંગાળ) ને ટ્રેક્ટર તથા ટ્રોલી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી કલ્યાણપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.