BREAKING NEWS

જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા બે વિસર્જન કુંડ ખાતે ગણેશજીની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ

  • September 15, 2026 05:46 PM 

 જામનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા બે વિસર્જન કુંડ ખાતે ગણેશજીની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ

સમર્પણ સર્કલ-બાયપાસ ચોકડી અને સરદાર રિવેરા સોસાયટી પાસે મહાનગરપાલિકાની વ્યવસ્થા : પૂજા-આરતી સાથે ભાવભેર વિઘ્નહર્તાને અપાઈ વિદાય

જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે જ મહાનગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા બંને વિશાળ વિસર્જન કુંડ ખાતે આજથી વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે જ વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની મૂર્તિઓ લઈને સંચાલકો, આયોજકો તેમજ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરનારા ભક્તો બંને વિસર્જન સ્થળોએ પહોંચ્યા હતા.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સમર્પણ સર્કલથી બાયપાસ ચોકડી તરફ એરપોર્ટ રોડ પર તથા લાલપુર બાયપાસથી રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા સોસાયટીના અંદરના ભાગમાં બે વિશાળ કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. બંને સ્થળોએ ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે વિસર્જન થઈ શકે તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વિસર્જન માટે આવતા ભક્તો મૂર્તિનું કુંડ ખાતે પૂજન-અર્ચન અને આરતી કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ વિઘ્નહર્તા દેવને ભાવભેર વિદાય આપી મૂર્તિનું વિસર્જન કુંડમાં કરવામાં આવી રહ્યું છે. બંને સ્થળોએ પાણી, લાઇટિંગ, પાર્કિંગ સહિતની જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કુંડ આશરે ૫૦ મીટર લાંબા અને ૨૦ મીટર પહોળા છે અને છેવાડાના ભાગે આશરે ૧૦ ફૂટ ઊંડાઈ રાખવામાં આવી છે. કુંડમાં પાણી ભરીને ગણેશજીની મૂર્તિઓનું સલામત રીતે વિસર્જન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા સહિતની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની મૂર્તિઓ લઈને આવતા આયોજકો અને ભક્તો માટે બંને સ્થળોએ માર્ગદર્શન સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
​​​​​​​
​​​​​​​ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન નદી, તળાવ કે અન્ય જળાશયોમાં કરવાને બદલે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બંને વિસર્જન કુંડમાં જ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application