BREAKING NEWS

જામનગરમાં હોટલમાંથી ૧.૯૨ લાખના હેરોઈન સાથે બે પંજાબી ઝડપાયા

  • November 13, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હોટલમાંથી ૧.૯૨ લાખના હેરોઈન સાથે બે પંજાબી ઝડપાયા

​​​​​​​આજકાલ પ્રતિનિધી
જામનગર
જામનગરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડી પંજાબના વતની બે ભાઈઓને ૧,૯૨,૨૦૦ની કિંમતના ૯.૬૧ ગ્રામ હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને શખ્સો પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ૨,૧૫,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ ’નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
​​​​​​​

આ દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, સુમેર ક્લબ રોડ પર એસ.ટી. ડેપો નજીક આવેલી હોટલ સુમુખના ‚મ નંબર ૧૦૮માં પંજાબના બે શખ્સો હેરોઈનના જથ્થા સાથે રોકાયેલા છે.

બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે હોટલના રૂમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં પંજાબના અમૃતસર જિલ્લાના રતનગ્રહ (ભીંડર)ના લવપ્રીતસિંઘ ગુલઝારસિંઘ અને હરપ્રીતસિંઘ ગુલઝારસિંઘ નામના બે ભાઈઓ મળી આવ્યા હતા. બંનેની અંગઝડતી અને રૂમની તલાશી દરમિયાન ૯.૬૧ ગ્રામ વજનનું ૧,૯૨,૨૦૦ની કિંમતનું હેરોઈન મળી આવ્યું હતું.

પોલીસે હેરોઈન ઉપરાંત બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ૨,૧૫,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં બંને આરોપીઓ સામે સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી. એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application