જામનગર: મેઘપર અને શેઠવડાળામાં વાહન અકસ્માતમાં મહિલા સહિત બે ના ભોગ લેવાયા
રોડ ક્રોસ કરતા મહિલાને બુલેટવાળાએ ફંગોળ્યા : ઇશ્ર્વરીયા પુલ નજીક કારે બાઇકને હડફેટે લીધુ : એકને ઇજા થઇ : નાશી ગયેલા ચાલકો સામે ફરીયાદ
લાલપુરના મેઘપર પાસે બુલેટ ચાલકે બેદરકારીથી ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા મહિલાને હડફેટે લઇ ઇજા પહોચાડી મૃત્યુ નિપજાવી નાશી ગયો હતો જયારે શેઠવડાળાના ઇશ્ર્વરીયા તરફના પુલ પાસે કારના ચાલકે બાઇકને હડફેટે લીધુ હતુ આ અકસ્માતમાં એક વ્યકિતનું મૃત્યુ થયુ છે અને એકને ઇજા પહોચી છે. દરમ્યાનમાં બુલેટ અને કારચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.
લાલપુરના જોગવડ પાટીયા રાણીશીપ વિસ્તારમાં રહેતા મુળ ભાણવડના વેરાડ ગામના વતની મજુરી કરતા બકુલ ભલાભાઇ ફફલ (ઉ.વ.૧૯) નામના યુવાને અજાણ્યા બુલેટના ચાલક સામે ગઇકાલે મેઘપર પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
આરોપી બુલેટ ચાલકે ગત તા. ૨૬ના સાંજના ૫-૩૦ થી ૬ના સુમારે પોતાની બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના માતા જેઠીબેન ભલાભાઇ ફફલ (ઉ.વ.૫૨) ચાલીને રોડ ક્રોસ કરતા હતા એ દરમ્યાન હડફેટે લઇ ફંગોળી દઇ હાથ-પગ ભાંગી નાખી શરીરે ગંભીર ઇજા પહોચાડતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું. ફરીયાદના આધારે પોલીસે બુલેટ ચાલકની શોધખોળ આદરી છે. બીજા બનાવમાં જામજોધપુર તાલુકાના કોઠાવીરડીનેસમાં રહેતા પશુપાલનનો વ્યવસાય કરતા દેવસુર એભા ટાળીયા (ઉ.વ.૨૨) નામના યુવાને ગઇકાલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં આઇ-૨૦ મેગના કાર નં. જીજે૧૧એબી-૪૩૪૦ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગત તા. ૨૬ના આરોપીએ પોતાની કાર પુરઝડપે અને ગફલતથી ચલાવી વાનાણાથી ઇશ્ર્વરીયા તરફ જતા રસ્તે ભટીયા પુલ પાસે મોટરસાયકલને હડફેટે લીધુ હતું આ અકસ્માતમાં રાજાભાઇનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું તથા સાહેદ નાથાભાઇને ઇજા પહોચી હતી. અકસ્માત સર્જી ચાલક નાશી ગયો હતો. જેની તપાસ કરવામાં આવી રહી છે.