ખંભાળીયા: ઐસા ભી હોતા હૈ: જામકલ્યાણપુરમાં એક જ રસ્તાના બે ખાતમુહૂર્ત
કલ્યાણપુર ગામમાં બે મહત્વના ડામર માર્ગોના નિર્માણ કાર્યને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. મામલતદાર કચેરીથી બસ સ્ટેન્ડ તેમજ ગામના મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ)થી બસ સ્ટેન્ડ સુધીના રસ્તાના કામનું બે અલગ-અલગ પ્રસંગે ખાતમુહૂર્ત કરવામાં આવતા સમગ્ર તાલુકામાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક જ વિકાસ કાર્ય માટે બે જુદા જૂથો દ્વારા યોજાયેલા ખાતમુહૂર્તને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
માહિતી મુજબ, લાંબા સમયથી બંને રસ્તાઓ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામના સરપંચ વિક્રમભાઈ બેલાએ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હતી. સતત અનુસરણ અને પ્રયાસોના પરિણામે આખરે બંને માર્ગોના નવીનીકરણ માટે સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી હતી.
કામને મંજૂરી મળ્યા બાદ પ્રથમ ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના પતિ અને કોંગ્રેસના અગ્રણી વિનોદભાઈ કરમુરના હસ્તે યોજાયું હતું. ત્યારબાદ, આ માર્ગોની મંજૂરી માટે સતત પ્રયત્નશીલ રહેલા સ્થાનિક ગ્રામ પંચાયતના સત્તાધારી જૂથ દ્વારા પણ એ જ રસ્તાઓનું અલગ કાર્યક્રમમાં વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બંને કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે વિકાસલક્ષી કામોના શ્રેયને લઈને રાજકીય પક્ષો અને આગેવાનો વચ્ચે હરીફાઈ જોવા મળી રહી છે. જોકે, ગ્રામજનોનું માનવું છે કે રસ્તાના ખાતમુહૂર્ત કરતાં વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગોનું કામ સમય મર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય, જેથી લોકોને રોજિંદા અવરજવરમાં રાહત મળી શકે.
ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કાર્યો રાજકીય મતભેદોથી ઉપર રહીને ઝડપથી પૂર્ણ થવા જોઈએ. લાંબા સમયથી અપેક્ષિત આ બંને રસ્તાઓનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય અને તેનો લાભ સમગ્ર ગામને મળે તેવી લોકમાગ વધુ પ્રબળ બની રહી છે.