BREAKING NEWS

ખંભાળિયાના નગરજનોની બલિહારી: રૂ. ૪૨ કરોડની ભૂગર્ભ ગટર યોજના ૧૩ વર્ષે પણ સંપૂર્ણપણે બિનઉપયોગી

  • June 15, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના નગરજનોની બલિહારી: રૂ. ૪૨ કરોડની ભૂગર્ભ ગટર યોજના ૧૩ વર્ષે પણ સંપૂર્ણપણે બિનઉપયોગી

તંત્રની ગંભીર નિષ્ક્રિયતાથી શહેરમાં ખુલ્લી ગટરોનું સામ્રાજ્ય બરકરાર

ખંભાળિયા શહેરમાં આજથી આશરે ૧૩ વર્ષ પૂર્વે અમલમાં મૂકવામાં આવેલી ભૂગર્ભ ગટર યોજના પણ આજે પણ અધુરી અને અપૂર્ણ છે. ત્યારે રૂપિયા ૪૨ કરોડના ખર્ચે શહેરના રસ્તાની નીચે બિછાવવામાં આવેલી ભૂગર્ભ ગટર યોજના હાલની પરિસ્થિતિમાં સંપૂર્ણપણે નિષ્ફળ હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે અને શહેરમાં અનેક સ્થળોએ આજે પણ ખુલ્લી ગટરો યથાવત છે.

ખંભાળિયા શહેરમાં વર્ષ ૨૦૧૩ માં જે-તે સમયના મંત્રી બાબુભાઈ બોખીરીયાના હસ્તે રૂ. ૪૨ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આશરે અઢીથી ત્રણ વર્ષ સુધી નગરજનોએ આડેધડ રીતે થયેલા ભૂગર્ભ ગટરના કામોના કારણે વ્યાપક હાલાકી વેઠ્યા પછી આ કામ પૂર્ણ થયું હતું. પાણી પુરવઠા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી આ ભૂગર્ભ ગટર યોજનાની સોંપણી નગરપાલિકાને કરતી વખતે વારંવાર કરવામાં આવેલા ટેસ્ટિંગમાં આ ગટર લીકેજ થતા નગરપાલિકાએ આ યોજના સંભાળી ન હતી અને આખી યોજના જાણે નિષ્ફળ ગઈ હોય તેમ અભેરાઈ ઉપર ચડાવી દેવામાં આવી હતી.

આ પછી વર્ષ ૨૦૨૪ માં પુન: ટેસ્ટિંગ કરવા તેમજ ડ્રેનેજ કનેક્શન આપવા માટે યોજના ફેઝ ૨ માટે વધુ રૂ. ૨૯ કરોડની રકમ મંજુર કરવામાં આવી છે, અને ટેન્ડરિંગ સાહિતની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ આ યોજનાનું કામ હજુ સુધી શરૂ થયું નથી.!

આ વચ્ચે તાજેતરમાં રૂપિયા પાંચ કરોડ જેટલી રકમના ખર્ચે શહેર નજીક આવેલા હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગટરના પાણીના નિકાલ માટે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ.ટી.પી.) પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ ભૂગર્ભ ગટર હજુ સુધી ચાલુ ન થતાં આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બિન ઉપયોગી બની રહ્યો છે.

હાલની પરિસ્થિતિમાં શહેરમાં અવારનવાર ગટરો છલકાવા તેમજ તેની સાફ-સફાઈના નગરપાલિકાને ભોગવવાના થતા ખર્ચ માટે જવાબદાર કોણ? તેવો પ્રશ્ન પણ નગરજનોમાં પુછાઈ રહ્યો છે. શહેરના માર્ગો પર રહેલા ભૂગર્ભ ગટરના ઢાંકણા અવારનવાર નાના-મોટા અકસ્માતનું કારણ બને છે.

આમ, જવાબદાર તંત્રની બેદરકારી તેમજ નિષ્ક્રિયતાના કારણે શહેરમાં દાયકાઓ જૂની ખુલ્લી ગટરની સમસ્યા યથાવત છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટર યોજના તાકીદે કાર્યરત બને અને જવાબદારો સામે પગલા લેવામાં આવે તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application