જામનગરમાં વ્યાજખોરની દાદાગીરી : મહિલાની મિલકત લખાવી લીધી
ઉંચા વ્યાજની ઉઘરાણી કરવા ધમકી આપીને બળજબરી કરી
જામનગરના મેહુલનગર ૮૦ ફુટ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા એક પરણિતાએ વ્યાજે રકમ લીધા બાદ કોરા ચેક અને મકાન લખાવી લઇ ઉચા વ્યાજની ઉઘરાણી કરીને ધમકી દીધાની દિવ્યમ પાર્ક સોસાયટીમાં રહેતા એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક મેઇન રોડ મેહુલનગર સિઘ્ધીપાર્ક સોસાયટીમાં રહેતા એક પ્રજાપતી પરણીતાએ આરોપી ઘનશ્યામ પટેલ પાસેથી ૪.૭૫ લાખની રકમ લીધી હતી જેનુ મકાન વેચાણ કરાર પર લખાવી લઇ આરોપી નાણા ધીરધારનું લાયસન્સ ધરાવતા ન હોય છતા ફરીયાદી પાસેથી ૫ ટકા વ્યાજ તથા સાહેદે ૨ લાખ લીધા હોય જેના ૧૦ ટકા વ્યાજની ઉઘરાણી કરી ફરીયાદી તથા સાહેદના કોરા ચેક લઇ મિલકત લખાવી લઇ બંનેના બેંકમાં એકાઉન્ટ ખોલાવી તેના એટીએમ અને ચેકબુક આરોપીએ પોતાના કબ્જામાં રાખી ઉચા વ્યાજની ઉઘરાણી કરી હતી.
ફરીયાદી મહિલાએ આરોપી પાસે એટીએમ અને ચેક બુક પરત આપવાનુ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇ તેણીને કહેલ મારા રૂપીયા વ્યાજ સહિત આપી દેજે નહીતર તમારી મિલકતનું લખાણ મારી પાસે છે હું કબ્જે કરી લઇશ તેમ કહી ભયમાં મુકી બળજબરીથી કઢાવી લેવાની ધમકી આપીને ફરીયાદીની છેડતી કરી ગાળો કાઢી તથા તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
દરમ્યાનમાં આ મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો જયાં પરણીતા દ્વારા સીટી-સી ડીવીઝનમાં જામનગરના બી-૫૦૨, શિવપ્લાઝા દિવ્યમ પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામ મોહન પટેલની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૮(૨)(૩), ૭૪, ૩૫૨, ૩૫૧(૩) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમની કલમ મુજબ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ કે.એચ. ચાવડા તપાસ ચલાવી રહયા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ફરીયાદીએ મકાન લીધુ હતુ તેના ઉપર બેંકમાંથી લોન લીધી હતી જે લોનના હપ્તા ચડી જતા વ્યાજે પૈસા લીધા હતા, દરમ્યાનમાં આરોપી દ્વારા વીમા પોલીસી ઉતરાવવાની પણ વાત કરી હતી અને યેનકેન પ્રકારે પોલીસી વટાવી લેવા જેવી વાત જણાવતા ફરીયાદીને શંકા ગઇ હતી એ પછી બળજબરી પુર્વક મિલકત કબ્જે કરી લેવા સહિતની ધમકી દેતા મામલો પોલીસમાં પહોચ્યો હતો.