મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬ અંતર્ગત દ્વારકા ખાતે પ્રાંત અધિકારીશ્રીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭-૧૦-૨૦૨૫ના પત્રથી તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા ખાતે પ્રાંત અધિકારીશ્રી તેમજ ૮૨ દ્વારકા વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીશ્રી અમોલ આવતેએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આ કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા.
જો કોઈ મતદાર મળી નહિ આવે તો BLO દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવાશે. મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.૦૪-૧૧-૨૦૨૫ થી બુથ લેવલ ઓફિસર દ્વાર શરૂ થનાર છે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. બુથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોનાં ઘરે જઈને Enumeration Form અપાશે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે.