BREAKING NEWS

જામ્યુકોના ઇ.એસ.આર. પર કોન્ટ્રાકટ કર્મીની ઘોર બેદરકારીથી હજારો લીટર પાણીનો વેડફાટ

  • November 13, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોના ઇ.એસ.આર. પર કોન્ટ્રાકટ કર્મીની ઘોર બેદરકારીથી હજારો લીટર પાણીનો વેડફાટ

મોટર ચાલુ રાખી દેતા માર્ગ પર પાણીની રેલમછેલ, નોટીસ-પેનલ્ટી ફટકારી સંતોષ માની લેવાશે

શહેરમાં જળસંકટ વચ્ચે વિપુલ પ્રમાણમાં પાણીના વ્યયથી લોકોમાં ભારે નારાજગી સાથે રોષ

જામનગર મહાનગરપાલીકાના ઇએસઆર પર કોન્ટ્રાકટરના કર્મચારીની ઘોર બેદરકારીથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. કર્મચારીએ મોટર ચાલુ રાખી દેતા માર્ગ પર પાણીની રેલમછેલ થઇ હતી. શહેરમાં જળસંકટ વચ્ચે વિપુલ પ્રમાણમાં પાણીના વ્યયથી લોકોમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે મનપા કોન્ટ્રાકટરને નોટીસ અને પેનલ્ટી ફટકારી સંતોષ માની લેશે. આથી અનેક સવાલ ઉઠ્યા છે.

જામનગર મહાનગરપાલીકાના દિગ્જામ સર્કલ પાસે આવેલા પાણીના ટાંકામાંથી બેએક દીવસ પહેલા રાત્રીના સમયે પાણી વહેવા લાગ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે ગણતરીની મીનીટોમાં માર્ગ પર પાણીની રેલમછેલ થઇ હતી અને તલાવડા ભરાઇ ગયા હતાં. બનાવની જાણ થતાં રજાના દીવસોમાં મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. મનપાના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પાણીના ટાંકા પર ફરજ બજાવતા કોન્ટ્રાકટરના કર્મચારીએ પાણીની મોટર ચાલુ રાખી દીધી હતી. આથી આ ઘોર બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. શહેરમાં ચાલુ વર્ષ વરસાદની ભારે ઘટથી ગંભરી જળસંકટની સ્થિતિ પ્રર્વતી રહી છે. આટલું જ નહીં શહેરના ઘણાં વિસ્તારોમાં અપૂરતુ અને પૂરા ફોર્સથી પાણી વિતરણ કરવામાં ન આવી રહ્યાની ફરિયાદો સામાન્ય બની છે. આ કટોકટી જેવી સ્થિતિમાં પાણીના ટાંકા પર કોન્ટ્રાકટરના કર્મચારીની બેદરકારીથી હજારો લીટર પાણીનો વ્યય થતાં શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે વોટર વર્કસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોટર ચાલુ રાખવાની બેદરકારી સબબ કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી પેનલ્ટી વસૂલવામાં આવશે. પરંતુ શહેરમાં પાણીની મોકાણ વચ્ચે ફકત નોટીસ અને પેનલ્ટીથી સંતોષ માની લેવાતા અનેક સવાલ ઉઠ્યા છે. કારણ કે, સામાન્ય નાગરીક પાણીની વેડફાટ કરે તો તેને દંડ અને તેના નળજોડાણ કટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે કોન્ટ્રાકટર સામે આકારા પગલાં કેમ નહીં તે સવાલ શહેરીજનોમાં ઉઠયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application