રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૩૫૯૫.૭૦ કરોડનું બજેટ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આજે સવારે ૯.૩૦ વાગ્યે મળેલી સ્ટેન્ડીંગ કમિટિની મિટિંગમાં ચેરમેન જયમીન ઠાકરને સુપ્રત કર્યું હતું અને ત્યારબાદ ૧૦ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો જાહેર કરી હતી. ૨૦૨૫-૨૬માં ગત વર્ષના બજેટમાં આવકના અંદાજો પૂર્ણ થઇ શકયા ન હતા. આ ઉપરાંત નવા નાણાકીય વર્ષથી ટેકસમાં વધારો સુચવવામાં આવ્યો છે. જેથી પ્રજા પર વધારાનો ૯૫ કરોડનો કરબોજ આવશે.ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં રહેણાંક મિલકતમાં ૩૬૫ હતો જે વધારીને ૮૦૦ કરવા સૂચવ્યું છે અને બિન રહેણાંકમાં ૧૪૬૦ હતો જે ૩૨૦૦ કરવા સૂચવ્યું છે. પાણી વેરો રહેણાંકમાં ૧૫૦૦ હતો જે વધારીને રૂ.૨૪૦૦ કરવા અને બિન રહેણાંકમાં ૩૦૦૦ના ૪૮૦૦ કરવા કમિશનરે સૂચવ્યું છે.
રાજકોટનું ક્ષેત્રફળ વધીને ૧૬૧.૮૬ ચો.કી.મી. થયું
મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ બજેટની વિસ્તળત વિગત પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્યુ હતુ કે, રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે ત્યારે શહેરમાં રાજકોટ મહાનગરપાલિકાની ભૂમિકા વધુ ને વધુ વ્યાપક બની રહી છે અને જવાબદારીઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના સર્વસમાવેશી વિકાસના નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરવાના પડકારને રાજકોટ મહાનગરપાલિકા પહોંચી વળશે તેવો મને વિશ્વાસ છે. જાન્યુઆરી-૨૦૧૫ માં કોઠારિયા અને વાવડી ગામ રાજકોટમાં ભળતા શહેરનું ક્ષેત્રફળ વધીને ૧૨૭.૨૧ ચો.કી.મી. થયું હતું. આ પછી તા. ૧૮ જુલાઈ ૨૦૨૦ ના રોજ મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર (મનહરપુર-૧ સહીત) રાજકોટમાં ભળ્યા અને રાજકોટનું ક્ષેત્રફળ વધીને ૧૬૧.૮૬ ચો.કી.મી. થયું છે. આમ શહેરની વસ્તી અને વિસ્તારોમાં થયેલ વધારાથી રાજકોટ મહાનગરપાલિકા પર વધુ જવાબદારીઓ આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા ક્રમબદ્ધ રીતે આગળ ધપી રહી છે
શહેરીકરણના વધતા જતા વ્યાપને કારણે શહેરી વસ્તીને પાયાની મૂળભૂત સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ બનાવવાની જવાબદારી ઘણી મોટી છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા ક્રમબદ્ધ રીતે આગળ ધપી રહી છે. આગામ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં શહેરના નવા ભળેલા વિસ્તારોમાં આવશ્યકતા અનુસાર વિકાસના લાભો પહોંચતા થાય તે મુજબના આયોજનની સાથોસાથ જુના વિસ્તારોની સુખ સુવિધાઓ પણ જળવાઈ રહે અને તેમાં ક્રમશઃ વધારો થતો રહે તે પ્રકારના આયોજનનો સમાવેશ કરાયો છે.
વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ. ૩૫૯૫ કરોડનું બજેટ તૈયાર કર્યું
રંગીલા રાજકોટની વિકાસ ગાથામાં અવનવા પ્રકરણો આલેખવા અને નાગરિકોની અપેક્ષાઓને સંતોષવા સતત હાથ ધરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે ભાવિ રોડમેપની આછેરી ઝલક પ્રસ્તુત કરતુ રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ. ૩૫૯૫ કરોડનું બજેટ તૈયાર કર્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. ૩૦૦ કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી. અત્યાર સુધીમાં ૩.૫૦ લાખથી કરદાતાઓએ પોતાનો વેરો ભરપાઇ કરી આપેલ છે. આ એક રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમા રેકોર્ડ છે. ચાલુ વર્ષે રૂ. ૪૦૦ કરોડથી વધુની આવક થવાની આશા છે.