જામનગર સહિત સમગ્ર હાલારમાં ગુલાબી ઠંડીનું આગમન થઇ ચૂકયું છે, આજે સવારે પણ ઠંડક ભર્યો માહોલ જોવા મળ્યો છે, હજુ બપોેરે ૧૧ થી ૫ દરમ્યાન ગરમી હોવાના કારણે લોકો પરેશાન થાય છે અને લઘુતમ તાપમાન ૨૦.૫ ડીગ્રીએ પહોંચી ગયું છે, પરંતુ સાંજે ૬ વાગ્યા બાદ ઠંડીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધુ પડશે તેવી પણ હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૦.૫ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૦.૬ ડીગ્રી, હવામાં ભેજ ૮૯ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે.
મિશ્ર ઋતુનું આગમન થયું છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે. કપાસમાં નુકશાનીનો માર ખેડુતો સહન કરી શકશે નહીં, તાત્કાલીક અસરથી સરકારે જે-જે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડયો છે તેવા ખેડુતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત પણ કરવી જોઇએ. ખરી રીતે હાલારમાં પણ પાછલો વરસાદ ખેડુતો માટે થોડો વિનાશકારી સાબીત થયો છે.
જામનગર જિલ્લામાં નુકશાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, એકાદ-બે દિવસમાં જ સરકાર જયારે રાહત પેકેજ જાહેર કરે ત્યારે કયાં કેટલી નુકશાની છે તેનો આંકડો બહાર આવશે એટલે ખબર પડી જશે, પરંતુ જામનગર જિલ્લામાં મગફળી અને કપાસના પાકને વ્યાપકપણે નુકશાન થયું છે તે હકીકત છે. મગફળીના પાથરા પલળી ગયા છે, કપાસમાં રોગ આવી ગયો છે અને પલળી ગયો છે.