BREAKING NEWS

માવઠાની સાઈડ ઈફેક્ટ: રવિ પાકનું વાવેતર શૂન્ય

  • November 04, 2025 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાના કારણે ખેડૂતો તબાહ થઈ ગયા છે. પરંતુ માવઠાને કારણે ખેડૂતોને અને ખેતી ક્ષેત્રને બીજી સાઈડ ઈફેક્ટ એ પડી છે કે રવિ પાકનું વાવેતર હજુ સુધી થયું નથી. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન રાજકોટ જિલ્લામાં 6,784 હેક્ટરમાં ઘઉં ચણા જીરું લસણ ડુંગળી શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું હતું.

રવિ પાકનું વાવેતર હજુ સુધી નથી થયું તેના કારણમાં ખેડૂતો અને કૃષિ વિભાગના વર્તુળો જણાવે છે કે મગફળી નો પાક લણી લીધા પછી તે યાર્ડમાં ન મોકલી શકનાર અને સ્ટોરેજની સુવિધા ન ધરાવતા ખેડૂતોની મગફળી ખુલ્લા ખેતરમાં પાથરાના સ્વરૂપમાં પડી હતી તે પલળી ગઈ છે. હવે જ્યારે નુકસાની સર્વે પૂરો થાય ત્યાર પછી આ પાથરા ઉપાડી લેવામાં આવશે અને ખેતર ચોખ્ખું થયા પછી રવિ પાક માટે વાવેતરનું વિચારી શકાય. પરંતુ આ વખતે ખેડૂતો એટલી હદે પાયમાલ થયા છે કે તેમની પાસે રવિ પાકના વાવેતરના બિયારણ- ખાતર લેવા માટે પૂરતા નાણાની વ્યવસ્થા નથી.

મગફળીની ટેકાના ભાવે ખરીદી સરકાર દ્વારા દર વર્ષે સામાન્ય રીતે લાભ પાચમથી શરૂ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે દેવ દિવાળી પસાર થઈ ગયા પછી પણ હજુ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી નથી અને ક્યારે શરૂ કરવામાં આવશે તેની કોઈ ચોક્કસ જાહેરાત પણ કરવામાં આવી નથી.

મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં સૌથી મોટું વિઘ્ન જે મગફળીના દાણા ડેમેજ હોય તેને જ પાક નુકસાની ગણવી તેવો સર્વે પૂર્વે અધિકારીઓને આદેશ અપાયો હતો.

મોટાભાગે તો અત્યારે મગફળીમાં ખેડૂતોને થયેલા નુકસાનની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે. પરંતુ મગફળી પછી બીજા સ્થાને સૌથી વધુ વાવેતર વિસ્તાર કપાસનો હતો અને કપાસમાં પણ માવઠાના કારણે સફેદી ઘટી ગઈ છે. ઉભો ફાલ ખરી ગયો છે અને જે કપાસ વીણવાનો બાકી હતો તેને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application